Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં પવિત્ર મંદિરોને નિશાન બનાવતો રીઢો મંદિર-ચોર પકડાયો, કીમથી ટ્રેનમાં આવી ૮ થી વધુ મંદિરોના દાનપાત્ર તોડનાર રાકેશ મેડાને પોલીસે દબોચ્યો!

ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલાં પવિત્ર મંદિરોને નિશાન બનાવીને સતત દાનપેટીઓ તોડતા એક રીઢા અને ચાલાક મંદિર-ચોરને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. ૧૭ ઓગસ્ટના રોજ સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમ ચોરાવાની ઘટના બનતાં પીઆઈ આર.એમ. વસાવાની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્કવોડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે શક્તિનાથ ગરનાળા પાસેથી ૩૫ વર્ષીય આરોપી રાકેશ બચુભાઈ મેડાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના ૫,૭૪૦ રોકડા અને મોબાઈલ સહિત ૧૦,૭૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી સિદ્ધનાથનગર અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિર સહિતના ચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો છે.પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ ભરૂચ અને આસપાસના આઠથી વધુ મંદિરોમાં હાથફેરો કર્યાની આકરી કબૂલાત કરી છે. જેમાં ઓમકારેશ્વર, આનંદેશ્વર મહાદેવ, આશ્રય સોસાયટીનું હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી, ભાથીજી દાદા મંદિર, ભોલાવનું સોમનાથ મહાદેવ મંદિર, જ્યોતિનગર મહાદેવ મંદિર અને આલેખ સોસાયટી નજીકના મહાદેવ મંદિરમાં ચોરી કર્યાનું સામે આવ્યું છે. આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી; તે અગાઉ ભરૂચમાં જ રહેતો હોવાથી શહેરના રસ્તાઓ અને પોલીસ નાઈટ પોઈન્ટથી વાકેફ હતો. તે કીમથી ટ્રેન મારફતે ભરૂચ આવતો અને રેલવે લાઈન નજીક આવેલા મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ અવાવરૂ જગ્યાએ લઈ જઈ તોડી નાખતો હતો. ભૂતકાળમાં પણ ‘એ’ અને ‘સી’ ડિવિઝનમાં ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂકેલા આ હિસ્ટ્રીશીટર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ આદરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!