Skip to main content

Geo Gujarat News

જંબુસરની સારોદ સાર્વજનિક હાઇસ્કૂલમાં શિક્ષણના નામે બાલમજૂરી? સરકારી ગ્રાન્ટ ઓરંગાડી વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ, DEO સમક્ષ લેખિત ફરિયાદ!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલી સારોદ ગામની સાર્વજનિક હાઇસ્કૂલમાં શાળા સંચાલકો અને શિક્ષકોની શરમજનક લાપરવાહી તથા કૌભાંડી માનસિકતા ખુલ્લી પાડતી ઘટના સામે આવી છે. શાળા પરિસર અને વર્ગખંડોની સફાઈ તેમજ સમારકામ માટે સરકાર તરફથી નિયમિતપણે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં, શાળા વહીવટી તંત્ર દ્વારા માસૂમ વિદ્યાર્થીઓ પાસે મજૂરોની જેમ ઝાડૂ મરાવી સફાઈ કરાવવામાં આવતી હોવાનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં શાળાના ગણવેશમાં સજ્જ નાના-નાના બાળકો હાથમાં કચરાપોતા અને ઝાડૂ લઈને શાળાની સફાઈ કરતા સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ જતાં વાલીઓ અને પ્રજામાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.શાળા તંત્રની આ તાનાશાહી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાપાએ મોરચો માંડીને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને આંકડાકીય અને દસ્તાવેજી પુરાવા સાથે આકરી લેખિત ફરિયાદ ફટકારી છે. ફરિયાદમાં સ્પષ્ટ આરોપ મૂકવામાં આવ્યો છે કે શાળા સત્તાધીશો સરકારી ગ્રાન્ટના નાણાં પોતાના ખિસ્સામાં સરકાવીને બાળકો પાસે બાલમજૂરી કરાવી રહ્યા છે. તેમણે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને બાળ મજૂરી પ્રતિબંધિત કાયદાની સંગીન કલમો હેઠળ જવાબદાર ટ્રસ્ટીઓ, આચાર્ય અને શિક્ષકો સામે તાત્કાલિક ધોરણે કાનૂની કાર્યવાહી કરવાની તથા શાળાને મળતી ગ્રાન્ટના હિસાબોની તટસ્થ ઓડિટ તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે. શિક્ષણધામને મજૂરીધામ બનાવનારા આ લાપરવાહ અધિકારીઓ સામે જિલ્લા શિક્ષણ વિભાગ કેવા આકરા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!