Skip to main content

Geo Gujarat News

હૈદરાબાદમાં સાઉથ સ્ટાર યશના ‘ટોક્સિક’ ઈવેન્ટમાં અકસ્માત, સાઉન્ડ સેટઅપ ખાબકતાં ૨ ફેન્સ ઘાયલ, ભીડ નિયંત્રણ અને સિક્યોરિટી પર ઉઠ્યા ગંભીર સવાલો..

હૈદરાબાદની મલ્લા રેડ્ડી યુનિવર્સિટી ખાતે સાઉથના કન્નડ સુપરસ્ટાર યશની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘Toxic’ના પ્રી-રિલીઝ પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. યશને જોવા અને સાંભળવા માટે હજારોની મેદની એકઠી થઈ હતી, ત્યારે અચાનક સ્ટેજ નજીક ગોઠવાયેલું ભારેખમ સાઉન્ડ અને લાઈટિંગ સેટઅપ ધડાકાભેર નીચે પડ્યું હતું. આ અકસ્માતમાં બે ચાહકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક વ્યક્તિ ક્ષણભર માટે બેભાન થઈ ગઈ હોવાના અહેવાલ છે. દૂર્ઘટનાના પગલે સ્થળ પર તૈનાત પોલીસ કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ચાહકોની અતિશય ઘેલછા અને નબળું ક્રાઉડ મેનેજમેન્ટ આ દૂર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું હતું. પોલીસની વારંવારની સૂચનાઓ છતાં કેટલાક ઉત્સાહી ચાહકો સાઉન્ડ સિસ્ટમના સપોર્ટિંગ સ્ટ્રક્ચર પર ચઢી ગયા હતા, જેના કારણે વજન ન ખમી શકતાં આખું માળખું નીચે ખાબક્યું હતું. ઘટના બનતાં જ સ્ટેજ પરથી ભાષણ આપી રહેલા અભિનેતા યશે તુરંત પોતાની સ્પીચ રોકી દીધી હતી અને સૌપ્રથમ ઈજાગ્રસ્તોની સુરક્ષા તથા સારવાર અંગે આયોજકો અને સિક્યોરિટી ટીમ પાસેથી માહિતી મેળવી હતી. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત અને કિયારા અડવાણી તેમજ નયનતારા અભિનીત આ ‘A’ સર્ટિફાઇડ ફિલ્મ 26 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થવાની છે, પરંતુ આ ઘટનાએ મોટા સ્ટાર્સના ઈવેન્ટ્સમાં સુરક્ષા માપદંડો અને માળખાકીય મજબૂતી સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!