કાનપુરમાં કાયદાના રક્ષકો સામે વાહનચાલકોની દાદાગીરી અને સરેઆમ બેદરકારીનો વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહેલા એક TRB જવાનને જીવના જોખમે કારના બોનેટ પર ઢસડવામાં આવ્યો હતો. ઘટનાની વિગત અનુસાર, વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક જવાને એક શંકાસ્પદ કારને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કારચાલકે શિસ્ત પાળવાને બદલે કાર સીધી જવાન તરફ હંકારી દીધી હતી. પોતાનો જીવ બચાવવા માટે ટીઆરબી જવાને કારના બોનેટ પર કૂદીને બોનેટ મજબૂતાઈથી પકડી લીધું હતું.
આશ્ચર્યજનક અને હિંસક બાબત એ રહી કે, જવાન બોનેટ પર લટકેલો હોવા છતાં કારચાલકે ગાડી ઊભી રાખવાની માનવતા પણ દાખવી ન હતી અને કારને પૂરપાટ ઝડપે રોડ પર ભગાવી મૂકી હતી. આ સમગ્ર ઘટનાથી માર્ગ પર પસાર થતાં રાહદારીઓમાં ભારે અફરાતફરી અને રોષનો માહોલ સર્જાયો હતો. બનાવ બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને સીસીટીવી તેમજ વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે કાર અને તેના ચાલાકની ઓળખ કરી લીધી છે. પોલીસે કાયદાનો અનાદર કરનાર અને જવાનનો જીવ જોખમમાં મુકનાર આ સરફિરા કારચાલક સામે ગંભીર ગુનાહિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની સખત કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com