વડોદરા નજીક આવેલા તલસટ ગામે વિશ્વામિત્રી નદીના કિનારે મગરના હુમલાની એક અત્યંત કરુણ અને ખૌફનાક ઘટના સામે આવી છે. રાત્રિના અંધકારમાં લઘુશંકા માટે ગયેલા ગામના 43 વર્ષીય રણછોડભાઈ મોતીભાઈ રાઠોડનો પગ અકસ્માતે લપસતાં તેઓ નદીના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. રણછોડભાઈ પાણીમાં પડે કે તુરંત જ ત્યાં ટાપીને બેઠેલા એક મહાકાય રાક્ષસી મગરે તેમના પર આક્રમક હુમલો કરી દીધો હતો અને પોતાના મજબૂત જડબામાં પકડીને પાણી ઊંડે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રૌઢની ચીસાચીસ સાંભળીને ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ગામના સાહસિક યુવાનો લાકડીઓ તથા દંડા લઈને નદી કિનારે દોડી આવ્યા હતા. યુવાનોએ પોતાની જાનનું જોખમ ખેડીને મગરને ભગાડવા ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે રણછોડભાઈને મગરના મુખમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, મગરના ભયાનક હુમલાના કારણે રણછોડભાઈ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. આ બનાવથી સમગ્ર તલસટ ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે, જ્યારે નદી કાંઠે વસતા લોકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com