વાગરા તાલુકામાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ઓરા ચોકડી નજીક આવેલી એક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી રાત્રિના અંધકારમાં લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવાર કામ અર્થે ઘર બંધ કરીને બહારગામ ગયો હતો, તે દરમિયાન તસ્કરોએ મકાનમાં ઘૂસી રોકડ રકમ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, ઓરા ચોકડી નજીકની સોસાયટીમાં આવેલું મકાન પરિવારની ગેરહાજરીમાં તસ્કરો માટે સરળ નિશાન બન્યું હતું. તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજાનો પણ નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ બેફામ રીતે તપાસ કરી તિજોરી સુધી પહોંચ્યા હતા. અને તિજોરીનો દરવાજો ખોલી તેમાં રહેલી રોકડ તથા સોનાના દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓ પર હાથ સાફ કરી દીધો હતો.
મકાન માલિક શેખ અજરુદ્દીન નશરુદ્દીનના જણાવ્યા અનુસાર, તસ્કરો અંદાજે 2.50 લાખની રોકડ રકમ, સાડા ત્રણ તોલાનો સોનાનો હાર, ચાર સોનાની વીંટીઓ સહિતની કિંમતી ચીજવસ્તુઓ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરીની કુલ કિંમત લાખોમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરિવારજનોને સવારે મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક બહારગામથી વાગરા દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને મકાનનું નિરીક્ષણ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરો કઈ રીતે મકાનમાં ઘૂસ્યા, ચોરી દરમિયાન કેટલા લોકો સામેલ હતા. અને તેઓ કઈ દિશામાં ફરાર થયા સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવે તેવી શક્યતા છે.
બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ જે રીતે ગ્રીલ અને દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો અને તિજોરી ખોલીને ચોરી કરી તે ઘટનાએ સોસાયટીના રહેવાસીઓમાં પણ ફફડાટ ફેલાવ્યો છે. પરિવાર બહારગામ જાય અને પાછળથી ઘર સુરક્ષિત ન રહે તો ચોરોને જાણે મોકળું મેદાન મળી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવે પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી પાડે અને ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવામાં સફળ થાય તે અંગે સ્થાનિકોમાં આશા વ્યક્ત થઈ રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com