Skip to main content

Geo Gujarat News

વાગરામાં તંત્રની ઘોર લાપરવાહીથી માસૂમ બાળકોના જીવ જોખમમાં! આંગણવાડીથી માત્ર ૧૦ ફૂટ દૂર ઊંડું તળાવ, સંરક્ષક દીવાલ ન હોવાથી મોટી દુર્ઘટનાનો ભય!

વાગરામાં દશામાં મંદિર નજીક ગરીબ અને સામાન્ય પરિવારના નાના ભૂલકાઓ માટે નવી બનાવાયેલી આંગણવાડી ખાતે સરકારી તંત્રની ભયાનક અને ગુનાહિત બેદરકારી સામે આવી છે. નાના-નાના અબુધ બાળકો માટે બનાવવામાં આવેલા આંગણવાડીના મકાનથી માત્ર ૧૦ ફૂટના અંતરે જ પાણીથી છલોછલ ભરેલું ઊંડું અને ભયાનક તળાવ આવેલું છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આંગણવાડીની આસપાસ સંરક્ષક દીવાલ બનાવવાની તસ્દી લેવામાં આવી નથી. દરરોજ નિર્દોષ બાળકો આંગણવાડી પરિસરમાં રમતા હોય છે, ત્યારે રમત-રમતમાં કોઈ ભૂલકું આ કાળમુખા તળાવમાં ખાબકે અને તેનો જીવ જાય તેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે.ચોમાસાની ઋતુમાં તળાવમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું હોવાથી અકસ્માતનો ભય સો ગણો વધી ગયો છે. આ માસૂમ બાળકોના જીવ સાથે રમત રમી રહેલા આંગણવાડી વિભાગ અને વહીવટી તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ગ્રામજનોએ આકરા શબ્દોમાં માંગ કરી છે કે કોઈ વાલીનો વ્હાલસોયો દીકરો કે દીકરી મોતના મુખમાં ધકેલાય અને મોટી હોનારત સર્જાય તે પહેલાં આંગણવાડીના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી સ્થળ મુલાકાત લે. તંત્રે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે મકાનની ફરતે મજબૂત સંરક્ષક દીવાલનું નિર્માણ કરવું જોઈએ, નહિતર દુર્ઘટના સર્જાશે તો તમામ જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સ્થાનિકોએ તાકીદ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!