મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સોમવારે વહેલી સવારે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. અમરાવતીની સરકારી હોસ્પિટલના નવજાત શિશુ વોર્ડ એટલે કે NICUમાં સવારે આશરે 3:30 વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જે વોર્ડમાં માસૂમ બાળકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં અચાનક ધુમાડો અને આગના ગોટેગોટા જોવા મળતાં હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ NICUમાં રહેલા એક વેન્ટિલેટરમાં કથિત રીતે વિસ્ફોટ થયા બાદ આગ ભભૂકી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા આ વોર્ડમાં ત્રણ રૂમમાં આશરે 39 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતા. આગ લાગતાની સાથે જ ફરજ પર હાજર ડોક્ટરો, નર્સો અને હોસ્પિટલના કર્મચારીઓએ પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના માસૂમ બાળકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ અને ધુમાડો ઝડપથી ફેલાતાં સ્ટાફે એક પછી એક નવજાત શિશુઓને વોર્ડમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અનેક બાળકોને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ આ બચાવ કામગીરી વચ્ચે પણ ત્રણ માસૂમ જિંદગીઓને બચાવી શકાયી નહોતી. ત્રણ નવજાત શિશુઓના મોતના સમાચાર સામે આવતાં હોસ્પિટલ પરિસરમાં શોક અને કરુણ ચીસોનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટનામાં આશરે છ નવજાત શિશુઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક નજીકની સરકારી સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આગ પર કાબૂ મેળવવા માટે બચાવ ટીમો અને હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વેન્ટિલેટરમાં કથિત વિસ્ફોટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર તપાસ બાદ જ ઘટનાની સાચી હકીકત સામે આવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. માસૂમ બાળકો માટે જીવન બચાવવાની જગ્યાએ બનેલી આ દુર્ઘટનાએ હોસ્પિટલોમાં નવજાત શિશુઓની સુરક્ષા, વેન્ટિલેટર સહિતના તબીબી સાધનોની જાળવણી અને અગ્નિશામક વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ત્રણ પરિવારો માટે સોમવારની સવાર ક્યારેય ન ભૂલી શકાય તેવી બની ગઈ છે. જેઓ પોતાના બાળકને સારવાર બાદ સ્વસ્થ ઘરે લઈ જવાની આશા રાખીને બેઠા હતા, તેમના આંગણે અચાનક અણધાર્યો શોક આવી પહોંચ્યો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com