ઘરથી શાળા દૂર હોવા છતાં વાહનની સુવિધા ન મળવાથી અનેક બાળકો, ખાસ કરીને કન્યાઓ, અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હોવાની સમસ્યાને પહોંચી વળવા ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે અનોખી અને અસરકારક પહેલ શરૂ કરી છે. ‘એજ્યુકેશન બાય સાયકલ’ પ્રોજેક્ટ અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે માત્ર સાયકલની સુવિધા નહીં, પરંતુ તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે નવી આશા બની રહ્યો છે. ખાસ કરીને નેત્રંગ તાલુકા અને નર્મદા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શાળાઓ ઘરથી દૂર હોવાથી વિદ્યાર્થીઓને રોજિંદા આવન-જાવનમાં મુશ્કેલી પડે છે. પરિવહનની પૂરતી સુવિધા ન હોવાને કારણે કન્યાઓના શિક્ષણ પર તેની સીધી અસર થતી હોવાનું ધ્યાનમાં આવતા શિક્ષણ વિભાગે આ સમસ્યાનો વ્યવહારુ ઉકેલ શોધ્યો છે. હવે અંતર શિક્ષણના માર્ગમાં અવરોધ ન બને તે માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ સીએસઆર પ્રવૃત્તિઓ ઉપરાંત લોકો દ્વારા આપવામાં આવેલી જૂની અને ભંગાર હાલતની સાયકલોને રિપેર કરીને ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ સાયકલોને વ્યક્તિગત રીતે કાયમી ધોરણે આપવાને બદલે શાળાકીય સ્તરે શેરિંગ મોડેલ ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે એક વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ એ જ સાયકલ બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે ઉપયોગી બની શકે છે.
હાલમાં નેત્રંગ તાલુકાની અંતરિયાળ ગાલિબા શાળા તેમજ કેએનએ પટેલ સાર્વજનિક વિદ્યાલય અને સમની આમોદ શાળામાં ડ્રોપઆઉટ નિવારણના હેતુથી કુલ 14 સાયકલો આપવામાં આવી છે. આ મોડેલ હેઠળ વિદ્યાર્થીને બે વર્ષ સુધી સાયકલનો ઉપયોગ કરવાની તક મળશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ સાયકલ શાળામાં પરત જમા કરાવવાની રહેશે, જેથી આગામી જરૂરિયાતમંદ વિદ્યાર્થી પણ તેનો લાભ લઈ શકે. એજ્યુકેશન બાય સાયકલ પહેલનો સૌથી મોટો હેતુ એ છે કે માત્ર ઘરથી શાળા દૂર હોવાના કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વાહનવ્યવહારની સમસ્યા દૂર થતાં અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું સરળ બનશે અને ખાસ કરીને કન્યાઓનો ડ્રોપઆઉટ અટકાવવામાં મદદ મળશે. શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં જિલ્લાની વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સીએસઆરની મદદથી 15થી 20 જેટલી સાયકલો ઉપલબ્ધ કરાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જો આ મોડેલનો વ્યાપ વધારીને જરૂરિયાત ધરાવતી દરેક શાળામાં અમલ કરવામાં આવે, તો ભૌગોલિક અંતર અને પરિવહનના અભાવે થતા ડ્રોપઆઉટમાં નોંધપાત્ર ઘટાડો કરી તેને શૂન્ય સુધી લાવવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી શકાય તેમ છે. આ રીતે ભરૂચમાં સાયકલ હવે માત્ર આવન-જાવનનું સાધન નથી રહી, પરંતુ અનેક બાળકોના હાથમાં શિક્ષણ ચાલુ રાખવાની ચાવી બની છે. એજ્યુકેશન બાય સાયકલ પહેલ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરવાજા ખુલ્લા રાખતી અને ડ્રોપઆઉટ સામે લડતી એક પરિણામલક્ષી પહેલ તરીકે ઉભરી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com