Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર વોર્ડ નં. 2માં ગંદા પાણીનો કહેર, રસ્તા પર ડ્રેનેજ, દુર્ગંધથી લોકો ત્રાહિમામ, રોગચાળાની દહેશત..

અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. 2માં ડ્રેનેજનું ગંદુ પાણી ફરી એકવાર રોડ પર ફરી વળતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર ગંદુ પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી અસહ્ય દુર્ગંધના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજની સમસ્યા વારંવાર સર્જાતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ગંદા પાણીના ભરાવાથી મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફેલાવાની ગંભીર ભીતિ પણ સેવાઈ રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. વોર્ડ નં. 2ના રહેવાસીઓમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સ્વચ્છતા વ્યવસ્થા પણ જાળવી શકતી ન હોય તો વિકાસના દાવા કેટલા હદે સાચા? સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યા માત્ર ગંદા પાણીની નથી, પરંતુ જાહેર આરોગ્ય સાથે સીધી જોડાયેલી છે. હાલના શાસકો અને જવાબદાર અધિકારીઓએ માત્ર કાગળ પરની કામગીરી પૂરતી ન રાખી તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું જોઈએ અને ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. ગંદા પાણી વચ્ચે લોકોની અવરજવર અને ફેલાતી દુર્ગંધ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોની ફરિયાદ બાદ નગરપાલિકા તંત્ર તાત્કાલિક સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા પગલાં ભરે છે કે પછી વોર્ડ નં. 2ના રહેવાસીઓને ફરી એકવાર ગંદકી અને દુર્ગંધ વચ્ચે જ દિવસો પસાર કરવા પડશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!