આમોદ તાલુકાના કેરવાડા ગામમાં આવેલ મહાદેવ અને અંબાજી માતાના મંદિર પરિસરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ વચ્ચે ૨૦ ફૂટ ઊંચા ત્રિશુલ સ્તંભની વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાદેવ અને અંબાજી માતાના મંદિરની મધ્યમાં સ્થાપિત કરવામાં આવેલા આ ત્રિશુલ સ્તંભથી સમગ્ર મંદિર પરિસરની ધાર્મિક શોભામાં પણ વધારો થયો છે. ત્રિશુલ સ્તંભની ટોચ પર ૩ બાય ૩ ફૂટનું વિશાળ સ્ટીલનું ત્રિશુલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભરતભાઈ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરાવી સ્તંભનું વિધિવત્ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી મહાદેવ અને અંબાજી માતાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ટ્રસ્ટના મંત્રી ડૉ. યોગેશ કોઠારીના આયોજન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા સહિત ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કેરવાડા ગામના સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્રિશુલ સ્તંભના નિર્માણ માટે વિનોદભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, કિશોરસિંહ નટવરસિંહ કપલેટિયા તથા મહેન્દ્રસિંહ જશવંતસિંહ કપલેટિયા દ્વારા યથાશક્તિ દાન આપવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગને બિરદાવતાં તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સુંદર અને ભવ્ય ત્રિશુલ સ્તંભ તૈયાર કરનાર કારીગર આઈ.એ. પટેલનો પણ ટ્રસ્ટ દ્વારા વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. કેરવાડા મંદિર પરિસરમાં સ્થાપિત થયેલો આ ભવ્ય ત્રિશુલ સ્તંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક બની રહ્યો નથી, પરંતુ મંદિર પરિસરની આગવી ઓળખમાં પણ વધારો કરનાર બન્યો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અને ગ્રામજનોમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. 
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com