આમોદ શહેરમાં મામલતદાર કચેરી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓની ટીમે શહેરની અંદાજે 6 જેટલી દુકાનોમાં તપાસ કરી ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. પાલેજમાં બનેલી ઘટનાને પગલે આમોદમાં પણ તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન દૂષિત પાણી, અસ્વચ્છતા અને યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલા ખાદ્યપદાર્થોના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા રહેતી હોવાથી તંત્ર દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન દુકાનદારોને ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવા, દુકાન તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને લોકોને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
ખાદ્યપદાર્થોના વેચાણમાં નિયમોનું પાલન કરવા પણ વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી. જોકે, પાલેજની ઘટના બાદ જ તંત્રનું ચેકિંગ શરૂ થતાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે તંત્રની આંખ ખરેખર ખુલી છે કે પછી થોડા દિવસના ચેકિંગ બાદ ફરી બધું રાબેતા મુજબ થઈ જશે? લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે માત્ર સૂચના આપીને સંતોષ માનવામાં આવશે કે પછી નિયમોનો ભંગ કરનાર સામે દંડ સહિતની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે, તે જોવું રહ્યું. ચોમાસાની ઋતુમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે તંત્રનું ચેકિંગ માત્ર કાગળ પર નહીં પરંતુ સતત અને અસરકારક રીતે ચાલુ રહે તેવી આમોદના નાગરિકોમાં માંગ ઉઠી છે. લોકોના આરોગ્ય સાથે બેદરકારી કરનાર સામે તંત્ર કડક વલણ અપનાવે તેવી પણ લોકમાંગ છે
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023