Skip to main content

Geo Gujarat News

ભરૂચ: FDCAમાં લાંચકાંડનો ધડાકો, ફાર્માસિસ્ટોનો વિસ્ફોટક વિરોધ, ભ્રષ્ટાચાર બંધ કરો લખેલી કેક કાપી ફોડી નાખ્યો રોષ!

ભરૂચ: ભરૂચ FDCA વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને હોલસેલ દવાના લાયસન્સ ઇશ્યૂ કરવા બદલ 40 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટનાએ સમગ્ર દવા વ્યવસ્થામાં ખળભળાટ મચાવી દીધો છે. સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ જ લાંચના કેસમાં ઝડપાતા રાજ્યભરના ફાર્માસિસ્ટોમાં પણ ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે.આ ઘટનાના વિરોધમાં ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ભરૂચ સ્થિત FDCA કચેરી ખાતે અનોખો અને આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસોસિએશનના સભ્યોએ FDCA કચેરી બહાર ફટાકડા ફોડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે FDCA ભ્રષ્ટાચાર બંધ કરો લખેલી કેક કાપીને વિભાગની કામગીરી સામે જાહેરમાં રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધના આ અનોખા સ્વરૂપે લાંચકાંડને લઈને ફાર્માસિસ્ટોમાં કેટલો આક્રોશ છે તે સ્પષ્ટ થયું હતું.

ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે FDCA વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સના આધારે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો છે. તેમના જણાવ્યા મુજબ, જ્યાં કાયદેસર રીતે ફાર્માસિસ્ટની હાજરી અને નિયમોનું પાલન જરૂરી છે ત્યાં કાગળ પરની વ્યવસ્થા ઊભી કરી મેડિકલ સ્ટોર ચલાવવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રજનીકાંત ભારતીયે વધુ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કેટલાક મેડિકલ સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટના નામે નકલી દવાઓ, ગર્ભપાત માટેની ગોળીઓ તેમજ નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વિના અથવા ગેરકાયદે વેચાણ થતું હોવાના આક્ષેપો છે. આવી પ્રવૃત્તિઓ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. તેમણે દાવો કર્યો કે, આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે કેટલાક સ્ટોર સંચાલકો પાસેથી વાર્ષિક સાલિયાણું વસૂલાતું હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે.મેડિકલ સ્ટોરના લાયસન્સના મુદ્દે પણ એસોસિએશને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નવા મેડિકલ સ્ટોરનું લાયસન્સ મેળવવા કે લાયસન્સના રીન્યુઅલ માટે રૂ.25 હજારથી રૂ.50 હજાર સુધીની લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી કફ સિરપ સામેની તપાસ ડ્રાઇવ દરમિયાન પણ કેટલાક અધિકારીઓ દ્વારા ‘તોડબાજી’ કરવામાં આવતી હોવાના આક્ષેપો થતાં FDCAની કામગીરી સામે વધુ સવાલો ઉભા થયા છે. ફાર્માસિસ્ટ એસોસિએશનનું કહેવું છે કે, જો ડ્રગ કંટ્રોલ વિભાગનો હેતુ ખરેખર ગેરકાયદે દવાના વેચાણ અને નિયમોના ભંગને રોકવાનો હોય તો કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી ન રહેવી જોઈએ. ભાડાના ફાર્માસિસ્ટ લાયસન્સના આધારે ગેરકાયદે રીતે ચાલતા મેડિકલ સ્ટોર્સ સામે થોડા દિવસ માટે સીલ મારવાની હળવી કાર્યવાહી કરવાને બદલે નિયમોનો ભંગ સાબિત થાય ત્યારે લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા જેવી કડક કાર્યવાહી થવી જોઈએ.એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર રતનકંવર ચરણગઢવી સમક્ષ પણ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખાસ કરીને લાંચના આરોપમાં ઝડપાયેલા અધિકારીઓની ઘટનાને માત્ર એક અલગ બનાવ તરીકે જોવાને બદલે વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે ઉઠી રહેલા આક્ષેપોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દવાઓ જેવી જીવનજરૂરી વસ્તુઓના નિયંત્રણની જવાબદારી સંભાળતા વિભાગમાં જો લાંચ અને ગેરરીતિના આક્ષેપો ઊઠે છે તો સામાન્ય દર્દી અને ગ્રાહકના આરોગ્યની સુરક્ષા કેટલી વિશ્વસનીય રહી શકે? ફાર્માસિસ્ટ એસોસિએશનના આક્રમક વિરોધ બાદ FDCA વિભાગ હવે આ ગંભીર આક્ષેપો અંગે શું કાર્યવાહી કરે છે અને ભ્રષ્ટાચાર સામે કેટલું કડક વલણ અપનાવે છે તેના પર સમગ્ર દવા ક્ષેત્રની નજર મંડાઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!