ભરૂચ તાલુકાના પારખેત ગામ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા અનુભૂતિ હોમિયોપેથીક ક્લિનિક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા ત્રિનેત્ર આઈ સેન્ટર, અંકલેશ્વરના સહયોગથી મેગા નિઃશુલ્ક હોમિયોપેથીક અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ આરોગ્ય સેવાઓનો નિઃશુલ્ક લાભ લીધો હતો. આ આરોગ્ય કેમ્પ દરમિયાન ગ્રામજનો માટે આંખોની તપાસ, મોતિયાબિંદુની તપાસ, હોમિયોપેથીક સારવાર અને નિઃશુલ્ક દવાઓ સહિત બ્લડ પ્રેશર, BMI તથા જનરલ બોડી ચેકઅપ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પમાં 200થી વધુ લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે 165 લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 105થી વધુ દર્દીઓને હોમિયોપેથીક સારવાર તેમજ જરૂરી તબીબી સલાહ આપવામાં આવી હતી. કેમ્પને માત્ર સારવાર પૂરતો મર્યાદિત ન રાખી સમાજસેવાનો વ્યાપક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન 36 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામજનોને લાઈફ ઈન્સ્યોરન્સ અને નાણાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપતું સત્ર યોજાયું હતું, જેના થકી લોકોને આરોગ્ય સાથે સાથે ભવિષ્યની નાણાકીય સુરક્ષા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર સેવાયજ્ઞને સફળ બનાવવા રોટરી સભ્યો, રોટરેક્ટર્સ, તબીબો, સ્વયંસેવકો તેમજ પારખેત ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. ખાસ કરીને રોટરેક્ટર્સ દ્વારા ગામમાં જનજાગૃતિ ફેલાવી, ગ્રામજનો સુધી કેમ્પની માહિતી પહોંચાડી અને તેમને આરોગ્ય સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ રોટેરિયન સમીર પંડ્યાએ કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લેનાર તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રોટરેક્ટર્સની જનજાગૃતિ અને સેવાભાવી કામગીરીની ખાસ પ્રશંસા કરી હતી. રોટરેક્ટ ક્લબના પ્રમુખ રોટ્રેક્ટર દિગ્વિજયસિંહ મહિડા સહિત બંને સંસ્થાના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ તબીબો, સંસ્થાઓ, સ્વયંસેવકો અને પારખેત ગામના ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કેમ્પ સેવાભાવ, જનજાગૃતિ અને આરોગ્ય પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com