સમગ્ર રાજ્યમાં શ્રાવણ માસ, રક્ષાબંધન અને ગણેશોત્સવ જેવા તહેવારોની શરૂઆત થતાં જ મોંઘવારીએ કાળો કેર વર્તાવ્યો છે. ખાંડના ભાવ રૂ. 70ને પાર પહોંચ્યા બાદ હવે સુકામેવાના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. મહાદેવને પ્રસાદમાં ધરાવાતા ચૂરમાના લાડુથી માંડીને તહેવારોની વિવિધ વાનગીઓમાં વપરાતી કિસમિસના ભાવમાં 80%નો વિસ્ફોટક વધારો નોંધાયો છે. થોડા સમય પહેલાં પ્રતિ કિલો રૂ. 250ના ભાવે મળતી કિસમિસ હવે રૂ. 450એ પહોંચી ગઈ છે. આ સિવાય માત્ર એક જ સપ્તાહમાં બદામના ભાવ રૂ. 1000થી વધીને રૂ. 1200 (20% વધારો) અને એલચીના ભાવ રૂ. 3500થી વધીને રૂ. 4500 (30% વધારો) પ્રતિ કિલો થઈ જતાં સુકોમેવો સામાન્ય અને મધ્યમ વર્ગની પહોંચ બહાર થઈ ગયો છે.માત્ર સુકોમેવો જ નહીં પરંતુ લોટ, તેલ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતના કાચા માલના ભાવો વધતાં દૂધ અને મીઠાઈના વેપારીઓ પણ ભાવ વધારવાની ફિરાકમાં છે. ખાંડમાં 40% અને અન્ય કાચા માલમાં ભાવવધારાને કારણે તહેવારોમાં વપરાતી પેંડા અને કાજુ કતરી જેવી મીઠાઈઓના ભાવમાં 10% સુધીનો તોતિંગ વધારો ઝીંકવાની તૈયારીઓ થઈ ગઈ છે. કેટલાક વેપારીઓએ તો અત્યારથી જ પ્રતિ કિલોએ રૂ. 40થી 50નો ભાવવધારો ઝીંકી દીધો છે. તહેવારોના મોસમમાં રાંધણગેસથી લઈને મીઠાઈ અને પ્રસાદ સુધીની તમામ સામગ્રી મોંઘી થઈ જતાં સામાન્ય જનતા મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહી છે અને તહેવારોની ઉજવણી ફીકી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com