અમેરિકામાં ઇમિગ્રેશન નીતિઓને અત્યંત સખત બનાવવાના ભાગરૂપે ટ્રમ્પ પ્રશાસન એક ઐતિહાસિક અને આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકામાં શરણ (Asylum) માટે અરજી કરનારા અથવા શરણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા આશરે ૨ લાખ વિદેશી નાગરિકોના બિઝનેસ (B1) અને ટૂરિઝમ (B2) વીઝા રદ્દ કરવા માટેની વિદેશ વિભાગ દ્વારા આયોજનબદ્ધ યોજના ઘડાઈ ચૂકી છે. જો કોઈ કાનૂની અડચણ નહીં આવે, તો આગામી સપ્તાહોમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. યુએસ ઇતિહાસમાં એકસાથે આટલી મોટો આંકડામાં વિઝિટર વીઝા રદ્દ કરવાની આ સર્વપ્રથમ અને અભૂતપૂર્વ ઘટના બની રહેશે.
વિદેશ વિભાગ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના દસ્તાવેજો અનુસાર, વર્ષ 2016 થી 2026 દરમિયાન ઇશ્યૂ કરાયેલા B1 અને B2 વીઝા આ કાર્યવાહીના સીધા નિશાન પર છે. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે આ મામલે પુષ્ટિ આપતાં જણાવ્યું છે કે ટૂંકા ગાળાના વિઝિટર તરીકે અમેરિકામાં પ્રવેશ કર્યા બાદ કાયમી વસવાટના હેતુથી શરણની અરજી કરનારા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વીઝા રદ્દ થવાથી સંબંધિત વ્યક્તિઓને તાત્કાલિક ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં નહીં આવે. જેમના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે તેઓ કાનૂની લડાઈ ચાલુ રાખી શકશે, પરંતુ તેમનું ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝિટર તરીકેનું સત્તાવાર સ્ટેટસ કાયમ માટે છીનવાઈ જશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com