Skip to main content

Geo Gujarat News

ઈશ્કે રસૂલમાં ડૂબી ગયું આમોદ: મોહમ્મદી જુલૂસમાં ઉમટ્યો અફાટ જનસાગર, હઝરત શિબલી મીયાનું ઈમાન-અફરોઝ બયાન, મહાનિયાઝ અને રક્તદાનથી રોશન થયો અમનનો પયગામ

આમોદની મુકદ્દસ ધરતી પર ઈદ-એ-મિલાદુન્નબીના પવિત્ર અવસરે આસ્થા, અકીદત અને ઈશ્કે રસૂલનો અદ્ભુત માહોલ ખીલી ઊઠ્યો હતો. વહેલી સવારે સુબહ-એ-સાદિકના રુહાની સમયે જ તમામ મસ્જિદોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી, જ્યાં મધુર સ્વરે તિલાવત-એ-કુરાન તથા ઝિક્ર-ઓ-અઝકાર કરવામાં આવ્યા હતાઅને આશિકો દ્વારા ૧૨ દિવસ સુધી પઢવામાં આવેલા દુરુદ-ઓ-સલામ તેમજ કુરાન-એ-પાકની તિલાવત આકા (પેગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ની બારગાહમાં પેશ કરવામાં આવી હતી અને વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી .આ મુબારક મોકા પર મસ્જિદો ખાતે પુરુષો તથા મહિલાઓ માટે આકા-એ-દો આલમ (સ.અ.વ.)ના પાક મૂ-એ-મુબારક  દિવ્ય ઝીયારતનું વિશેષ આયોજન કરાયું હતું.

ત્યારબાદ આમોદના તમામ વિવિધ વિસ્તારોમાંથી અઝીમ અદબ અને અખ્લાખ સાથે ઈમાન-અફરોઝ જુલૂસ-એ-મોહમ્મદી નીકળ્યા હતા, જે પોતપોતાના વિસ્તારોમાં ફરીને દર વખતની પરંપરા મુજબ વાવડી ફળિયા ખાતે એકત્રિત થયા હતા. માર્ગમાં આવતી તમામ મસ્જિદોમાં મુરીદોએ મૂ-એ-મુબારકના નૂરાની દીદાર કરી બરકત હાસિલ કરી હતી. વાવડી ફળિયાથી આગળ વધીને જુલૂસ બજારી મસ્જિદ પાસેથી પસાર થઈ તિલક મેદાન પહોંચ્યું હતું અને અંતે આમોદની મુખ્ય ચોકડી ખાતે પહોંચ્યું હતું . આખા રસ્તે અકીદતમંદોના અફાટ જનસાગર રહ્યો હતો.જુલૂસમાં નાના-નાના માસુમ ભૂલકાઓ મધુર સ્વરે નાત-એ-પાક ગુનગુનાવતા નજરે પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઈશ્કે રસૂલમાં ગુમ થઈ ગયું હતું.મેઈન ચોકડી ખાતે વિશાળ જનસાગર સમક્ષ ધાર્મિક અગ્રણી બારગાહે આલમ-એ-ઇસ્લામના સૈયાદા અને ઉત્તર પ્રદેશના પવિત્ર આસ્તાના કિછૌછા શરીફથી તશરીફ લાવેલા હઝરત સૈયદ અબુબકર શિબલી મિયાં અશરફીએ વિશેષ ઉપસ્થિત રહીને પોતાનું ઈમાન-અફરોઝ રુહાની બયાન આપ્યું હતું,જેમાં દેશ માટે પ્રેમ , એકતા, સબ્ર, અખલાક, ભાઈચારો ની ઉપર ગુફ્તગુ કરી હતી.તેમણે તેમજ વિવિધ વરિષ્ઠ ઉલેમાઓ અને ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જુલૂસના સમગ્ર માર્ગ પર નબી-એ-પાકના આશિકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઠેર-ઠેર સ્વાદિષ્ટ નિયાઝ, શરબત અને મીઠાઈનું વિતરણ કરાયું હતું. આ પવિત્ર દિવસે મોહબ્બત અને ખિદમત-એ-ખલ્કની મિસાલ કાયમ કરતા પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ બાદશાહ બાપુના બગીચા ખાતે અઝીમ-ઓ-શાનથી વિશાળ મહાનિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ શિરકત કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ, માનવતાના અઝીમ સંદેશ સાથે સૈયદ શેરઅલી બુખારી અને તેમની ટીમ દ્વારા દરબારી હોલ ખાતે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સ્થાનિક યુવાનો અને અકીદતમંદોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની ઉત્કૃષ્ટ મિસાલ પેશ કરી હતી. સમગ્ર આયોજનમાં આમોદના મુહતરમ ઈમામ સાહેબો, નાત-ખ્વાનો અને સામાજિક આગેવાનો અઝીમ અદબ સાથે જોડાયા હતા. અત્યંત સબ્ર, તાઝીમ અને લોકોના ઉમદા અખ્લાક સાથે સંપન્ન થયેલા આ જુલૂસે સમગ્ર સમાજમાં ભાઈચારા, અમન અને ઇસ્લામી તહેઝીબનો અમર પયગામ રોશન કર્યો હતો.સમગ્ર ઉજવણી દરમિયાન ભાઈચારો, એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ઈદે મિલાદનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પી.આઈ. કરમટિયા સાહેબની આગેવાનીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઝુલુસના સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!