Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં ૧૪ વર્ષીય કાનવ શાહની ગુમશુદગીનો કરુણ અંત, જૂના સરદાર બ્રિજ પરથી સાયકલ મળ્યા બાદ ગોલ્ડન બ્રિજના કાંઠેથી નર્મદા નદીમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ!

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ૧૪ વર્ષીય કિશોર કાનવ ધીરેનભાઈ શાહની શોધખોળનો અત્યંત કરુણ અને કાળજું કંપાવી દેનારો અંત આવ્યો છે. ૨૬ ઓગસ્ટના રોજ ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફથી નગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમને નર્મદા નદીના વહેણમાંથી આ કમનસીબ કિશોરનો મృతદેહ મળી આવતાં સમગ્ર ભરૂચ અને ઝાડેશ્વર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. ગતરોજથી અચાનક લાપતા થયેલા કાનવની પરિવારજનો દ્વારા સગાસંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી હતી, તે દરમિયાન નેશનલ હાઈવે-૪૮ પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની બિનવારસી સાયકલ મળી આવતાં કિશોર નર્મદા નદીમાં ખાબક્યો હોવાની ભયાનક આશંકા સેવાઈ હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને નગરપાલિકાના તંત્રે નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, તેમજ નર્મદા મૈયા બ્રિજ સહિતના મુખ્ય માર્ગોના CCTV ફૂટેજ પણ ખંખોળવામાં આવ્યા હતા. સતત સર્ચ ઓપરેશન બાદ આજે કાનવનો મૃતદેહ મળી આવતાં ઘટનાસ્થળે પહોંચેલા માતા-પિતા અને પરિવારજનોના હૃદયવિદારક આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ થતાં અંકલેશ્વર પોલીસની કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આશાસ્પદ માસૂમ કિશોરે આત્મહત્યા કરી કે કોઈ અકસ્માત સર્જાયો તે અંગેનું આખું સત્ય કાનૂની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!