Skip to main content

Geo Gujarat News

તહેવારોમાં ગળી અફવાઓથી સાવધાન, કાળાબજાર અને સંગ્રહખોરી રોકવા ખાંડના વેચાણ પર ડિજિટલ બ્રેક, ક્વિક-કોમર્સ અને રિટેલર્સે લાદી ખરીદી મર્યાદા

તહેવારોની મોસમ આંગણે આવીને ઊભી રહી છે ત્યારે ઘરોમાં મીઠાઈઓ અને વાનગીઓની ગૂંજ સાથે જ ખાંડની માંગમાં અચાનક ભારે ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ, તહેવારોનો લાભ ઉઠાવીને બિનજરૂરી સંગ્રહખોરી કરતા ગ્રાહકો અને કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજાર કરવા માંગતા વેપારીઓની ચાલાકી પર હવે રિટેલર્સ અને ક્વિક-કોમર્સ કંપનીઓએ આકરો પ્રહાર કર્યો છે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા આ નિર્ણય હેઠળ, બજારમાં સંગ્રહખોરો દ્વારા ઊભી કરાતી કૃત્રિમ અછતને ડામવા માટે ઓનલાઇન અને ઓફલાઇન દિગ્ગજ પ્લેટફોર્મ્સે ગ્રાહકો માટે ખાંડ ખરીદવાની આંતરિક મર્યાદા નક્કી કરી દીધી છે.D-Mart, BigBasket, Blinkit અને Swiggy Instamart જેવા મોટા ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને સુપરમાર્કેટોએ ગ્રાહકો માટે ખરીદીનો નવો નિયમ લાગુ કર્યો છે. હવેથી એક ઑર્ડર અથવા એક ગ્રાહકદીઠ માત્ર ૩ થી ૫ કિલો સુધી જ ખાંડ ખરીદી શકાશે, જ્યારે કેટલીક એપ્સે તો આ મર્યાદા ઘટાડીને માત્ર ૩ કિલો સુધીની જ રાખી દીધી છે. કંપનીઓએ આ અંગે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે આ પગલું કોઈ સરકારી આદેશથી નહીં, પરંતુ તેમની પોતાની સ્વેચ્છિક અને આંતરિક પોલિસી હેઠળ લેવાયું છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ એક વ્યક્તિ કે સંગ્રહખોર આખો સ્ટોક સાફ કરીને બાકીના સામાન્ય ગ્રાહકો માટે કટોકટી ઊભી ન કરે અને દરેક પરિવારને તેમની જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો સરળતાથી મળી રહે.બીજી તરફ, બજારમાં ખાંડની તંગી હોવાની ફેલાઈ રહેલી અફવાઓ પર પણ વિરામ લાગ્યો છે. ઇન્ડિયન શુગર ઍન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન અને કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે દેશમાં ખાંડના સ્ટોકની કોઈ જ અછત નથી. શેરડીની નવી સીઝનનું પિલાણ શરૂ થતાં અને નવો જથ્થો બજારમાં આવતાં જ ખાંડના ભાવ સપાટી પર આવી જશે. તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓમાં આવીને પેનિક બાઇંગ કે બિનજરૂરી ખરીદી ન કરે અને માત્ર જરૂરિયાત પૂરતો જ સામાન ખરીદે, જેથી બજારમાં અનિચ્છનીય કૃત્રિમ અછત કે ભાવવધારા જેવી સ્થિતિ ઊભી ન થાય.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!