વાગરા DGVCL કચેરીના કમ્પાઉન્ડમાં મેટલ ખાલી કરવા આવેલું હાઈવા ડમ્પર ખાલી કરવાની કામગીરી દરમિયાન અચાનક નમી પડતાં ચકચાર મચી ગઈ હતી. મહત્વની બાબત એ છે કે આ ઘટના GEB કચેરીમાં પ્રવેશવા માટેના મેઈન ગેટની બરાબર વચ્ચે જ સર્જાઈ હતી. જેના કારણે કચેરીમાં આવતા-જતા લોકો અને વાહનચાલકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મેટલ ભરેલું હાઈવા ડમ્પર DGVCL કચેરીના કમ્પાઉન્ડમાં મેટલ ખાલી કરવા માટે આવ્યું હતું. ડમ્પર દ્વારા મેટલ ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે ભારે વજનના કારણે ટ્રોલી અચાનક એક તરફ નમી પડી હતી. ટ્રોલીનો ભાગ અલગ થઈ નીચે પટકાયો હતો, જ્યારે ડમ્પરના આગળના કેબિનનો ભાગ પણ જમીનથી અધ્ધર થઈ ગયો હતો. મેઈન ગેટની વચ્ચે જ ભારે ડમ્પર આ રીતે નમી પડતાં ઘટના સ્થળે હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કચેરીમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ જ આ ઘટનાને કારણે જોખમી સ્થિતિમાં આવી ગયો હતો. ખાસ કરીને કચેરીમાં આવતા-જતા કર્મચારીઓ, અરજદારો તથા વાહનચાલકોની અવરજવર વચ્ચે આ ઘટના બની હોવાથી મામલો વધુ ગંભીર બન્યો હતો.
જોકે સદ્દનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ડમ્પર જે રીતે પલટી પડ્યું અને કેબિનનો આગળનો ભાગ અધ્ધર થઈ ગયો તે જોતા જો તે સમયે મેઈન ગેટ પરથી કોઈ વ્યક્તિ અથવા વાહન પસાર થઈ રહ્યું હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ ઘટનાએ ભારે વાહનોમાંથી મેટલ, રેતી તેમજ માટી જેવા ભારે જથ્થાને ખાલી કરતી વખતે સલામતીના પગલાં અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને જાહેર અવરજવર ધરાવતા મેઈન રોડની વચ્ચે જ આવી કામગીરી કેમ કરવામાં આવી. અને ભારે ડમ્પરને ખાલી કરતી વખતે જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી કે કેમ, તે તપાસનો વિષય બન્યો છે. મોટી દુર્ઘટના ટળી હોવા છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર જેવા સંવેદનશીલ સ્થળે ભારે વાહનોની કામગીરી દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com