Skip to main content

Geo Gujarat News

વાગરા: સારણના ખેતરોમાં પ્રદૂષણનો કાળો પડછાયો! ખેડૂતોનો હેમાની કોપર સામે આક્રોશ, ધારાસભ્ય સાથે કલેક્ટર કચેરીએ ફરી ધામા!

વાગરા તાલુકાના સારણ ગામે ઔદ્યોગિક પ્રદૂષણને લઈને ખેડૂતોનો આક્રોશ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. સારણ ગામના ખેડૂતો દ્વારા વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હેમાની કોપકેર કંપની સામે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીમાંથી નીકળતા પ્રદૂષણ અને ગેસના કારણે આસપાસના ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થઈ રહ્યું છે, જેના પગલે ખેતી પર નિર્ભર ખેડૂતોની મહેનત અને આર્થિક સ્થિતિ બંને પર સીધી અસર પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કંપનીમાંથી નીકળતા ગેસ અને પ્રદૂષણની અસર સારણ ગામની આસપાસના ખેતરોમાં જોવા મળી રહી છે. કપાસ, તુવેર, જુવાર, તલ સહિતના પાકને નુકસાન થતું હોવાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે પ્રદૂષણના કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો છે અને પરિણામે ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. એક તરફ ખેડૂત દિવસ-રાત ખેતરમાં પરસેવો પાડે અને બીજી તરફ પ્રદૂષણના કારણે તૈયાર પાક બરબાદ થતો હોય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ પણ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, અગાઉ જ્યારે કંપની બંધ હતી ત્યારે ખેતરોમાં આ પ્રકારનું નુકસાન જોવા મળતું ન હોતું. પરંતુ છેલ્લા આશરે આઠ મહિનાથી કંપની ફરી શરૂ થયા બાદ પાકને નુકસાન થવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. આથી ખેડૂતો દ્વારા કંપનીની કામગીરી, હવામાં છોડવામાં આવતા ગેસ તથા પ્રદૂષણની અસર અંગે તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસ કરાવી હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે.ખાસ વાત એ છે કે આ મુદ્દે ખેડૂતો પહેલીવાર કલેક્ટર કચેરીના દરવાજા ખખડાવી રહ્યા નથી. અગાઉ પણ ખેડૂતો દ્વારા વાગરા મામલતદાર, ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણાને લેખિત રજૂઆત કરી સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી સંતોષકારક ઉકેલ ન આવતા ખેડૂતો ફરી એકવાર મેદાને આવ્યા છે અને આજે ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. સારણના ખેડૂતોની રજૂઆત હવે માત્ર પાકના નુકસાન પૂરતી સીમિત રહી નથી, પરંતુ ઉદ્યોગોનો વિકાસ કે ખેડૂતોનું ભવિષ્ય? એવો ગંભીર સવાલ ઉભો કરી રહી છે. ખેડૂતોની મહેનતથી ઉભો થતો પાક જો ઔદ્યોગિક પ્રદૂષણના કારણે બરબાદ થતો હોય તો તંત્ર દ્વારા માત્ર કાગળ પર તપાસ નહીં, પરંતુ સ્થળ પર જઈને વાસ્તવિક પરિસ્થિતિની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂતો દ્વારા કંપની સામેના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ, પ્રદૂષણના સ્તરની ચકાસણી, પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની વારંવારની રજૂઆતો બાદ જિલ્લા તંત્ર આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને પ્રદૂષણના આક્ષેપોની તટસ્થ તપાસ કરીને ખેડૂતોને રાહત અપાવે છે કે પછી ફરી એકવાર રજૂઆત કાગળ પર જ સીમિત રહી જશે. ખેડૂતો માટે આ માત્ર પાકનો પ્રશ્ન નથી, પરંતુ જમીન, રોજગાર અને ભવિષ્ય સાથે જોડાયેલો જીવન-મરણનો પ્રશ્ન બની રહ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!