Skip to main content

Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં હેમાની કોપકેર સામે પ્રદૂષણના આક્ષેપો, રજૂઆતો છતાં ચીમનીમાંથી કાળા ધુમાડા! તંત્રની કાર્યવાહી ક્યાં?

વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી હેમાની કોપકેર કંપની ફરી એકવાર ગંભીર સવાલોના ઘેરામાં આવી છે. કંપનીની ચીમનીમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાના દ્રશ્યો સામે આવતા આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. એક તરફ ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન કરવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ચીમનીમાંથી નીકળતા કાળા ધુમાડાના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. સાયખા GIDCમાં અગાઉ પણ પ્રદૂષણને લઈને વિવિધ કંપનીઓ સામે સવાલો ઉઠતા રહ્યા છે. ખાસ વાત એ છે કે ગ્રામજનો આ મુદ્દે એક-બે વખત નહીં, પરંતુ વારંવાર તંત્રના દરવાજા ખખડાવી ચૂક્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, કંપનીના કથિત પ્રદૂષણથી ખેતીના પાકને નુકસાન થતું હોવાની રજૂઆત સૌપ્રથમ વાગરા મામલતદાર સમક્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ ભરૂચ કલેક્ટરને પણ આવેદનપત્ર આપી સમગ્ર મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોએ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાનો સંપર્ક કર્યો હતો. અને તેમને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.તેમ છતાં મામલો થાળે ન પડતાં બે દિવસ અગાઉ ફરી ધારાસભ્ય અરુણસિંહ રણાની સાથે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર સમક્ષ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. વારંવારની રજૂઆતો બાદ હવે તંત્ર દ્વારા કંપની સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા ગ્રામજનોમાં હતી. પરંતુ આ રજૂઆતના ગણતરીના સમયમાંજ ફરી કંપનીની ચીમનીમાંથી કાળા ધુમાડા નીકળતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાના આક્ષેપથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સવાલ એ છે કે જો ગ્રામજનોની ફરિયાદમાં તથ્ય નથી તો સત્તાવાર તપાસ કરીને હકીકત સામે કેમ લાવવામાં આવતી નથી? અને જો ફરિયાદમાં તથ્ય છે તો કાર્યવાહી કરવામાં વિલંબ શા માટે? પ્રદૂષણ નિયંત્રણના નિયમો માત્ર કાગળ પર જ છે કે જમીન પર પણ તેનો અમલ થાય છે? ચીમનીમાંથી નીકળતા ધુમાડાની ગુણવત્તા, તેમાં રહેલા પ્રદૂષક તત્વો અને તેની આસપાસના ખેતી વિસ્તાર તથા પર્યાવરણ પર થતી અસર અંગે તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં જો આવી સ્થિતિ યથાવત રહેતી હોય તો શું કંપનીને તંત્રનો કોઈ ડર રહ્યો નથી? કે પછી ફરિયાદો અને આવેદનપત્રો માત્ર કચેરીઓના કાગળોમાં જ દફનાઈ રહ્યા છે? સામાન્ય ખેડૂતો પોતાના પાક અને જમીનને લઈને ચિંતિત છે. ત્યારે જવાબદાર વિભાગોની નિષ્ક્રિયતા અનેક સવાલો ઊભા કરે છે.આખરે કાર્યવાહી ક્યારે? ગ્રામજનો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ સ્થળ પર જઈને તાત્કાલિક તપાસ, ચીમનીમાંથી નીકળતા ઉત્સર્જનના નમૂના, પર્યાવરણીય અસરનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને નિયમભંગ સાબિત થાય તો કડક કાયદેસરની કાર્યવાહી ઈચ્છી રહ્યા છે. કારણ કે ખેતી, હવા અને પર્યાવરણ સાથે જોડાયેલો આ મુદ્દો માત્ર એક ગામ કે એક કંપની પૂરતો સીમિત નથી. આ સમગ્ર વિસ્તારના લોકોના આરોગ્ય અને જીવન સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. રજૂઆતો પર રજૂઆતો છતાં જો કાળા ધુમાડાના દ્રશ્યો સામે આવતા રહે, તો હવે તંત્ર કેમ મૌન? અને કાર્યવાહી કરવામાં વિલંબ કેમ? જેવા સવાલો સ્વાભાવિક રીતે ઊભા થાય છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્ર આ સમગ્ર મામલે ક્યારે જાગે છે. અને ક્યારે જમીન પર નક્કર કાર્યવાહી કરે છે.વિડીયો જોવા અહીં ક્લિક કરો.. https://www.instagram.com/reel/DcyOymyyKx2/?igsi=cjIxMTA3YXBld29s

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!