Skip to main content

Geo Gujarat News

ખાતું વાગરામાં, બેંક વિલાયતમાં કેમ? હજારો ગ્રાહકોની હાલાકી વચ્ચે બેંક મેનેજરનું મોટું આશ્વાસન! એક મહિનામાં સેવા પુનઃ શરૂ કરવાનો દાવો

વાગરા તાલુકાના લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાગરા ખાતે કાર્યરત બેંક ઓફ બરોડાની શાખા જૂન મહિનાથી બંધ થતાં હજારો ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વાગરા તેમજ આસપાસના ગામોના વૃદ્ધો, મહિલાઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને રોજિંદા બેંકિંગ વ્યવહાર કરતા ગ્રાહકો માટે બેંકની સેવા બંધ થવાથી મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે આશરે એક માસ જેટલા સમય બાદ વાગરા ખાતે બેંક ફરી કાર્યરત થશે તેવી માહિતી બેંક મેનેજર મુકેશભાઈ દ્વારા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વાગરા ખાતેની બેંક ઓફ બરોડા શાખાને વિલાયત ગામે ખસેડવામાં આવ્યા બાદ સ્થાનિક ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શાખા ખસેડવાના કારણ અંગે જવાબદાર કારણ જાણવા માટે વાગરા બ્રાન્ચ મેનેજર મુકેશભાઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, જૂન મહિનાથી વાગરા બ્રાન્ચ બંધ છે. અગાઉ જે મકાનમાં બેંક કાર્યરત હતી તે હાલ જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયું છે અને મકાનના છતના કેટલાક ભાગ તૂટી નીચે પડ્યા હતા. જૂનું મકાન હોવાથી ત્યાં બેંકિંગ કામગીરી કરવી જોખમી બનતા શાખાને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. બેંક મેનેજરના જણાવ્યા પ્રમાણે, આશરે એક માસ જેટલા સમય બાદ વાગરા ખાતે બેંકની કામગીરી ફરી શરૂ થઈ જશે, તેવી શક્યતા છે. જોકે, આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે સ્થાનિક સ્તરે ભારે અસંતોષ છે. વાગરા તાલુકાના અનેક લોકો માટે બેંક ઓફ બરોડા માત્ર એક બેંક નહીં પરંતુ રોજિંદા નાણાકીય વ્યવહારો માટેની મહત્વની સુવિધા છે.વિલાયત ગામે બેંક ખસેડાતા વાગરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા ગ્રાહકો માટે હવે બેંકિંગ કામકાજ કરવા વધારાનું અંતર કાપવું પડે છે. બેંકિંગ કામકાજ માટે વિલાયત સુધી લાંબું થવું પડતું હોવાથી સ્થાનિક ગ્રાહકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. મુસાફરીનો વધારાનો ખર્ચ અને સમય બંને ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, ખેડૂતો અને નાના વેપારીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે. અગાઉ વાગરા ખાતે જ બેંકિંગ સેવા સરળતાથી ઉપલબ્ધ બનતી હતી, પરંતુ શાખા ખસેડાયા બાદ સામાન્ય ગ્રાહકોને પણ વિલાયત સુધી ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. ખાતામાં સામાન્ય વ્યવહારથી લઈને રોકડ લેવડદેવડ, પાસબુક, KYC, લોન સંબંધિત કામગીરી સહિતના અનેક કામો માટે ગ્રાહકોને હવે વાગરાથી વિલાયત જવું પડે છે. જેના કારણે સ્થાનિક સ્તરે સવાલ ઉઠી રહ્યો છે કે ખાતું વાગરામાં અને બેંકિંગ સેવા વિલાયતમાં કેમ? સ્થાનિક ગ્રાહકોનું કહેવું છે કે બેંક જેવી મૂળભૂત નાણાકીય સેવા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉપલબ્ધ હોવી જોઈએ. જો શાખાનું જૂનું મકાન ખરેખર જર્જરિત અને જોખમી સ્થિતિમાં હતું તો સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી છે, પરંતુ તેના વિકલ્પરૂપે વાગરા વિસ્તારમાં જ યોગ્ય સ્થળે તાત્કાલિક બેંકિંગ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.ખાસ કરીને તાત્કાલિક બેંકિંગ કામકાજ, રોકડ વ્યવહાર, પાસબુક અપડેટ, KYC અને લોન સંબંધિત કામગીરી માટે ગ્રાહકોને વિલાયત સુધી લાંબું અંતર કાપવું પડે છે. આ પરિસ્થિતિમાં બેંક તંત્ર દ્વારા ગ્રાહકોની મુશ્કેલીને ગંભીરતાથી લઈને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાગરા તાલુકામાં મોટી સંખ્યામાં લોકો બેંક ઓફ બરોડા સાથે જોડાયેલા હોવા છતાં બેંકનું મકાન જર્જરિત હોવાના કારણે શાખાને અન્યત્ર ખસેડવી પડી હોવાની સ્થિતિએ અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ બેંકની સુરક્ષા જરૂરી છે, તો બીજી તરફ ગ્રાહકોની સુવિધા અને નાણાકીય પહોંચ પણ એટલી જ મહત્વની છે. ત્યારે બેંક તંત્ર હવે માત્ર આશ્વાસન પૂરતું ન રાખે અને વાગરા ખાતે કાયમી તથા સુવિધાસભર શાખા ઝડપથી શરૂ કરે તેવી માંગ ઉગ્ર બની રહી છે. હવે બેંક મેનેજર દ્વારા આશરે એક મહિનામાં વાગરા ખાતે ફરી બેંકિંગ સેવા શરૂ કરવાની માહિતી આપવામાં આવતા ગ્રાહકોમાં આશા જાગી છે. જો ખરેખર નિર્ધારિત સમયમર્યાદામાં શાખા પુનઃ શરૂ થાય તો હજારો ગ્રાહકોને રાહત મળશે. પરંતુ ત્યાં સુધી ગ્રાહકોની હાલાકી દૂર કરવા માટે વૈકલ્પિક કાઉન્ટર અથવા અન્ય તાત્કાલિક બેંકિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!