ભરૂચ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા પોલીસે હવે પરંપરાગત પેટ્રોલિંગ સાથે ટેક્નોલોજીનો પણ સહારો લીધો છે. જુગારીઓ પોલીસની નજરથી બચવા માટે ગામડાની સીમ, ખેતરો કે ઝાડી-ઝાંખરામાં છુપાઈને જુગાર રમતા હોય તો પણ હવે સાવધાન થઈ જવું પડશે. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી આવા શંકાસ્પદ સ્થળો પર આકાશી નજર રાખવામાં આવી રહી છે, જેના કારણે પોલીસથી બચવા માટેના જુગારીઓના સેફ ઝોન પણ હવે સુરક્ષિત રહ્યા નથી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે આક્રમક કાર્યવાહી હાથ ધરી અનેક જુગારના કેસો ઝડપી પાડ્યા છે. પોલીસની સતત કાર્યવાહીથી જુગારના અડ્ડા ચલાવતા તત્વો તેમજ ખુલ્લી જગ્યાઓમાં ટોળકી બનાવી જુગાર રમતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસની ટીમો દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે,
ત્યારે હવે ડ્રોનની મદદથી એવી જગ્યાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે જ્યાં સામાન્ય રીતે પોલીસની પહોંચ મુશ્કેલ હોય છે. પોલીસની આ નવી વ્યૂહરચનાથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે જુગાર રમવા માટે ખેતરની સીમ હોય કે ઝાડી-ઝાંખરું, ખુલ્લું મેદાન હોય કે કોઈ ઓટલો કાયદાની નજરથી કોઈ બચી શકશે નહીં. આગામી દિવસોમાં પણ જુગાર સામેની કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે. પોલીસના આકાશી કેમેરાથી હવે જુગારીઓની દરેક હિલચાલ પર નજર રહેતા જુગારના અડ્ડા ચલાવનારાઓ માટે મુશ્કેલી વધી શકે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com