Skip to main content

Geo Gujarat News

આમોદ: ધોરણ-૮માં છૂટેલું ભણતર, GSOS થકી ફરી ભરેલી ઉડાન, ખુશી મકવાણા આજે B.Com. સુધી પહોંચી, ધોરણ-૧૨માં શાળામાં પ્રથમ ક્રમ મેળવી રચી પ્રેરણાદાયી સફળતાગાથા..

જીવનમાં ક્યારેક એક યોગ્ય સમયે લેવાયેલો નાનો નિર્ણય પણ કોઈના સમગ્ર ભવિષ્યની દિશા બદલી શકે છે. આમોદ તાલુકાની રોઝા ટંકારીઆ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ખુશી મકવાણાની સફળતાની કહાની તેનું જીવંત ઉદાહરણ છે. ધોરણ-૮ બાદ અભ્યાસ અધવચ્ચે છોડી દેનારી ખુશીએ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના માધ્યમથી ફરી શિક્ષણ સાથે જોડાઈ માત્ર ધોરણ-૧૦ની પરીક્ષા જ નહીં, પરંતુ આગળ ધપીને ધોરણ-૧૨માં ૭૮ ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવી આજે B.Com.ના અભ્યાસ તરફ આગેકૂચ કરી છે. વર્ષ ૨૦૨૩માં રોઝા ટંકારીઆ પ્રાથમિક શાળાના તસ્નીમબેન ઠુંઠીવાલા અને જ્યેશભાઈ પઢીયાર દ્વારા કરવામાં આવેલી મુલાકાત દરમિયાન ખુશીનું ભણતર અધવચ્ચે અટકી ગયું હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને સામાન્ય ગણીને અવગણવાને બદલે તેને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. ખુશીના વાલીઓનો સંપર્ક કરી અભ્યાસ છોડવાના કારણો અંગે ચર્ચા કરવામાં આવી અને તેના ભવિષ્ય માટે શિક્ષણ કેટલું મહત્વનું છે તે સમજાવવામાં આવ્યું. આ દરમિયાન વાલીઓને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ એટલે કે GSOS અંગે માહિતી આપવામાં આવી. શરૂઆતમાં વાલીઓમાં થોડો સંકોચ જોવા મળ્યો હતો, પરંતુ ખુશીના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સતત સમજાવટ બાદ તેઓ સંમત થયા. પરિણામે ખુશીને GSOSના માધ્યમથી ફરી અભ્યાસ સાથે જોડવામાં આવી અને અધવચ્ચે અટકેલી તેની શૈક્ષણિક સફરને નવી દિશા મળી. ફરીથી અભ્યાસ શરૂ કર્યા બાદ ખુશીએ આત્મવિશ્વાસ અને મહેનત સાથે ધોરણ-૧૦ની પરીક્ષા આપી અને ૫૨ ટકા ગુણ સાથે સફળતા મેળવી. તેના માટે આ માત્ર પરીક્ષા પાસ કરવી નહોતી, પરંતુ વર્ષો પહેલાં અટકી ગયેલા એક સપનાને ફરી જીવંત કરવાની શરૂઆત હતી. આ સફળતાએ ખુશીના આત્મવિશ્વાસમાં વધારો કર્યો અને આગળ ભણવાની તેની ઈચ્છાને વધુ મજબૂત બનાવી. ધોરણ-૧૦ બાદ ખુશીએ કોલવણા હાઈસ્કૂલમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૧માં પ્રવેશ મેળવી નિયમિત અભ્યાસ શરૂ કર્યો. GSOS થકી મળેલી બીજી તકને તેણે સંપૂર્ણ લગનથી સાકાર કરી. સતત મહેનત અને અભ્યાસના પરિણામે ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ખુશીએ ૭૮ ટકા ગુણ મેળવ્યા અને શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.ખાસ વાત એ છે કે જે વિદ્યાર્થીનીએ એક સમયે ધોરણ-૮ બાદ ભણતર છોડી દીધું હતું, તે જ વિદ્યાર્થીનીએ થોડા જ વર્ષોમાં ધોરણ-૧૨માં શાળામાં પ્રથમ સ્થાન મેળવી સૌને ગૌરવ અપાવ્યું છે. ખુશીની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સૌ માટે પ્રેરણારૂપ બની છે. સફળતાના આ પડાવ પર પણ ખુશી અટકી નથી. ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સાકાર કરવા તેણે હવે B.Com.માં પ્રવેશ મેળવી પોતાની શૈક્ષણિક સફરનો નવો અધ્યાય શરૂ કર્યો છે. ધોરણ-૮માં અટકેલું તેનું ભણતર આજે કોલેજ સુધી પહોંચી ગયું છે, જે તેની દૃઢ ઇચ્છાશક્તિ, મહેનત અને યોગ્ય માર્ગદર્શનની તાકાત દર્શાવે છે. ખુશીની આ કહાની એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે કોઈ વિદ્યાર્થી એક વખત અભ્યાસથી દૂર થઈ જાય એટલે તેનું ભવિષ્ય પણ ત્યાં જ અટકી જાય એવું નથી. યોગ્ય સમયે મળતું માર્ગદર્શન, પરિવારનો સહયોગ અને વૈકલ્પિક શિક્ષણની સુવિધા મળે તો ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓ પણ ફરી મુખ્ય પ્રવાહમાં આવીને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. રોઝા ટંકારીઆ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ખુશીને ફરી શિક્ષણ સાથે જોડવા માટે કરવામાં આવેલો પ્રયાસ આજે એક સફળ પરિણામ તરીકે સામે આવ્યો છે. એક વિદ્યાર્થીનીના જીવનમાં પ્રગટેલી શિક્ષણની આ નવી રોશની અન્ય અનેક બાળકો માટે આશાનું કિરણ બની શકે છે. ખુશી મકવાણાની સફર માત્ર એક વિદ્યાર્થીનીની સફળતાની કહાની નથી, પરંતુ કોઈ બાળક ભણતરથી વંચિત ન રહે તેવા સંકલ્પને સાકાર કરવાની દિશામાં થયેલા પ્રયાસની પ્રેરણાદાયી ગાથા છે. GSOS જેવી વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ભણતરથી દૂર થયેલા અનેક બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારા સાથે જોડી તેમના સપનાઓને નવી ઉડાન આપી શકાય છે. ધોરણ-૮માં અટકેલું એક સપનું આજે B.Com. સુધી પહોંચ્યું છે. ખુશીની આ ‘નવી ઉડાન’ અનેક બાળકોના ભવિષ્ય માટે પ્રેરણાનો દીવો બની છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!