ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વની આમોદ શહેરમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને જનતા ચોક ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા સ્થાનિક લોકો તેમજ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જનતા ચોક ખાતે યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમમાં યુવાનો દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ જનતા ચોક ખાતે આવેલા રણછોડજી મંદિર, ગણપતિ મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં વિશેષ શણગાર સાથે ભક્તો દ્વારા પૂજા-અર્ચના અને દર્શન કરવામાં આવ્યા હતા.
જન્માષ્ટમી નિમિત્તે ભજન-કીર્તન, ધાર્મિક કાર્યક્રમો અને ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષથી જનતા ચોક સહિત સમગ્ર આમોદ શહેર ગુંજી ઉઠ્યું હતું. મટકી ફોડ કાર્યક્રમને લઈને બાળકો, યુવાનો અને મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આમ, આમોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023