તિરંગો ઊંચો, પણ રાતે અંધારામાં! PIP કંપનીની દેશભક્તિ સામે બેદરકારીનો પર્દાફાશ? વાગરા તાલુકાની પખાજણ GIDCમાં આવેલી જાણીતી PIP કંપનીની પ્રિમાઇસીસમાં ઊંચાઈ પર ભવ્ય તિરંગો લહેરાવવામાં આવ્યો છે. દિવસના અજવાળામાં ગર્વભેર ફરકતો રાષ્ટ્રધ્વજ દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની લાગણી જગાવે છે, પરંતુ રાત્રિ પડતાં જ આ જ તિરંગો અંધકારમાં ગરકાવ થઈ જતો હોવાના દ્રશ્યોએ કંપનીની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ તારીખ 04/09/2026 ના રોજ રાત્રિના સમયે તિરંગાની આસપાસ પૂરતી લાઇટિંગની વ્યવસ્થા જોવા મળતી નથી. જેના કારણે દેશની આન-બાન-શાન ગણાતો રાષ્ટ્રધ્વજ અંધારામાં રહે છે. ખાસ કરીને વાગરા-દહેજને જોડતા મુખ્ય માર્ગની બાજુમાં જ આ તિરંગો લહેરાવવામાં આવ્યો હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોની નજરે પણ આ સ્થિતિ સ્પષ્ટપણે પડે છે. તિરંગાની ભવ્યતા ઊભી કરવામાં આવે અને ત્યારબાદ તેની રાત્રિના સમયે યોગ્ય રીતે જાળવણી તથા પ્રકાશ વ્યવસ્થા કરવામાં ન આવે તો તેને દેશભક્તિ ગણવી કે માત્ર દેખાડો? એવો સવાલ હવે લોકોમાં ઉઠી રહ્યો છે.
તિરંગો લહેરાવ્યો, લાઇટ લગાવવાનું ભૂલ્યા? PIP કંપનીની કામગીરી સામે તીખા સવાલો! રાષ્ટ્રધ્વજ માત્ર કાપડનો એક ટુકડો નથી. તિરંગો દેશના ગૌરવ, સ્વાભિમાન, એકતા અને શહીદોના અમૂલ્ય બલિદાનનું પ્રતીક છે. તેથી રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે તેની યોગ્ય જાળવણી અને ગરિમા જળવાય તેની તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે. ત્યારે રાત્રિના અંધકારમાં તિરંગો દેખાતો ન હોવાની સ્થિતિ સામે જવાબદાર તંત્ર શું કરી રહ્યું છે તે સવાલ સ્વાભાવિક રીતે ઊભો થાય છે. સ્થાનિકોમાંથી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો કંપની પરિસરમાં વિશાળ અને ભવ્ય તિરંગો ઊભો કરી શકાય છે, તો તેની આસપાસ પૂરતી લાઇટિંગ ગોઠવવામાં શું અડચણ છે? દેશભક્તિના પ્રતીકને રાત્રે પણ સન્માનપૂર્વક દૃશ્યમાન રાખવા માટે જરૂરી પ્રકાશ વ્યવસ્થા કરવી શું એટલી મુશ્કેલ બાબત છે? જો આટલી સામાન્ય બાબતમાં પણ બેદરકારી દાખવવામાં આવે છે, તો પછી રાષ્ટ્રધ્વજની ગરિમા અંગે જવાબદારી કોની?
રાષ્ટ્રધ્વજ પણ અંધારામાં! PIP કંપનીની દેશભક્તિ સામે બેદરકારીનો આક્ષેપ, કડક કાર્યવાહીની માંગ ઉઠી! આ સમગ્ર મામલે હવે સંબંધિત તંત્રની ભૂમિકા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મુખ્ય માર્ગની બાજુમાં રાષ્ટ્રધ્વજ અંધકારમાં રહેતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છતાં જો જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નોંધ લેવામાં ન આવે તો તે પણ ગંભીર બેદરકારી ગણાશે. શું તંત્ર સ્થળ પર તપાસ કરશે? શું કંપનીને જરૂરી સૂચના આપવામાં આવશે? કે પછી તિરંગાની આ સ્થિતિ સામે પણ જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરશે? દેશભક્તિ માત્ર રાષ્ટ્રગીત, નારા કે ભવ્ય તિરંગો લગાવવા પૂરતી સીમિત નથી. તિરંગાની ગરિમા જાળવવી એ જ સાચી દેશભક્તિની કસોટી છે. હવે જોવાનું એ રહ્યું કે PIP કંપની આ મુદ્દે તાત્કાલિક યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા કરશે કે નહીં અને સંબંધિત તંત્ર આ ગંભીર બાબતની તપાસ કરીને કોઈ કાર્યવાહી કરશે કે પછી તિરંગો અંધકારમાં જ લહેરાતો રહેશે?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com