વાગરા તાલુકાની પખાજણ GIDCમાં પ્રવેશતા જ વિકાસના દાવાની પોલ ખોલી નાખતા રસ્તાઓના દ્રશ્યો સામે આવ્યા છે. GIDCમાં એન્ટર થતાની સાથે જ જાણે ઔદ્યોગિક વિસ્તારમાં નહીં પરંતુ કોઈ ખેતરના કાચા માર્ગ પર આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા, ઉખડેલું ડામર અને મોટા પ્રમાણમાં કાંકરી-માટી જોવા મળી રહી છે.
માર્ગની હાલત એટલી હદે કથળી ગઈ છે કે રોડ ક્યાં છે. અને ખાડો ક્યાં છે તે શોધવું પણ વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે. ક્યાંક ડામરનું નામોનિશાન નથી તો ક્યાંક રસ્તો જાણે ખોદીને અધૂરો છોડી દેવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પરિણામે રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પખાજણ GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારમાં દેશ-વિદેશની કંપનીઓ સાથે જોડાયેલા ઉદ્યોગકારો, કામદારો અને ભારે વાહનોની સતત અવરજવર રહે છે. તેમ છતાં GIDCના મુખ્ય માર્ગોની આવી દયનીય સ્થિતિ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
ખખડધજ રસ્તાઓને કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે. સાથે જ વાહન ચાલકો સહિત ઉદ્યોગકારો અને નોકરિયાત વર્ગના લોકોનો સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે આ રસ્તાની આવી હાલત માટે જવાબદાર કોણ? GIDC તંત્ર કે પછી રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર? જો રોડનું કામ થયું છે. તો તેની ગુણવત્તાની તપાસ કોણે કરી? અને જો કામ અધૂરું કે હલકી ગુણવત્તાનું થયું હોય તો જવાબદારો સામે કાર્યવાહી કેમ નહીં? હવે માત્ર કાગળ પરની કામગીરી કે આશ્વાસન નહીં, પરંતુ રસ્તાની ગુણવત્તાની તાત્કાલિક તપાસ, જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી અને માર્ગનું કાયમી ધોરણે સમારકામ જરૂરી બન્યું છે. પખાજણ GIDCના ઉદ્યોગકારો અને વાહનચાલકોનો સીધો સવાલ છે, રસ્તા માટે ફાળવાતા નાણાં ક્યાં જાય છે? અને રોડની આ હાલત માટે જવાબદાર કોણ છે?
વિડીયો જોવા લિંક ઉપર ક્લિક કરો..
https://www.instagram.com/reel/Dc85Lo-sDCX/?stkn=MTc4djJtdjJneG5pbQ==
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com