Skip to main content

Geo Gujarat News

સાયખા GIDCમાં પ્રદૂષણનો કાળો કારોબાર? રવિવારની આડમાં ઝેરી ધુમાડાથી આકાશ ઘેરાયું, GPCB મોન ધારણ કરીને ક્યાં સુધી તમાશો જોશે?

વાગરા તાલુકાની સાયખા GIDC ફરી એકવાર ઔદ્યોગિક પ્રદૂષણના ખુલ્લેઆમ નગ્ન નાચને કારણે વિવાદના વટોળમાં ઘેરાઈ છે. સામે આવેલા દ્રશ્યો મુજબ, સાયખા GIDC ની TETHYS CHEMICAL અને KRISHNA SOLVECHEM PVT. LTD જેવી કંપનીઓએ રવિવારના સરકારી રજાના દિવસનો ગેરલાભ ઉઠાવી પોતાની ચીમનીઓમાંથી શંકાસ્પદ અને અત્યંત દુર્ગંધયુક્ત ધુમાડો હવામાં છોડ્યો હતો. કાયદા અને તંત્રની આંખમાં ધૂળ નાખીને આચરવામાં આવતો આ પ્રદૂષણનો કાળો ખેલ માત્ર નિયમોની પાયમાલી નથી, પરંતુ આસપાસના ગ્રામજનોના જીવ સાથે રમાતી એક ખતરનાક રમત છે. વર્ષોથી સતત ફરિયાદો કરવા છતાં બેફામ બનેલા ઉદ્યોગપતિઓ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નેવે મૂકીને જે રીતે ઝેર ઓકી રહ્યા છે, તેનાથી સમગ્ર વિસ્તારમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.આ સમગ્ર કૌભાંડમાં સૌથી વધુ શંકાસ્પદ અને નિંદનીય ભૂમિકા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રહી છે, જે કાગળ પર નિયમો બતાવીને કુંભકર્ણની નિંદ્રામાં રહ્યું છે. સ્થાનિકોનો સીધો સવાલ છે કે શું GPCB ના ભ્રષ્ટ અને ઢીલા વલણને કારણે જ આવી કંપનીઓની હિંમત આટલી વધી ગઈ છે? આ ધુમાડો માત્ર હવાને પ્રદૂષિત નથી કરી રહ્યો, પરંતુ ખેતીની જમીન અને હજારો લોકોના શ્વાસમાં ઝેર ભેળવીને કેન્સર જેવા ગંભીર રોગોને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યો છે. હવે કોઈ પણ પ્રકારની લોભ-લાલચ કે ઢીલ વગર GPCB તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરે, દૂષિત સેમ્પલો લે અને દોષિત કંપનીઓ સામે ફોજદારી ગુનો નોંધી તેમના લાયસન્સ રદ કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો આ પ્રદૂષણ માફિયાઓ સામે કડક દંડાત્મક પગલાં ભરીને આ કાળો ખેલ કાયમ માટે બંધ કરવામાં નહીં આવે, તો સ્થાનિક જનતા આક્રમક આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે તેવી લોક ચર્ચાઓ વહેતી થઈ છે.નોંધનીય છે, કે GIDCમાં રજાના દિવસોમાં કે રાત્રિના અંધારામાં ઝેરી કેમિકલ યુક્ત ધુમાડો અને દૂષિત પાણી છોડવું એ હવે કોઈ એકલ-દોકલ બનાવ નથી રહ્યો, પરંતુ એક સુનિયોજિત અને સંગઠિત ગુનો બની ચૂક્યો છે. કાયદાનો કોઈ પણ ભય રાખ્યા વગર ચાલી રહેલા આ પ્રદૂષણના કાળા કારોબારને ડામવા માટે હવે માત્ર નોટિસો કે નજીવા દંડથી કામ નહીં ચાલે, પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જ પડશે. આ કાયમી સમસ્યાના નિર્મૂલન માટે GPCB દ્વારા તમામ કંપનીઓની ચીમનીઓ અને વેસ્ટ આઉટલેટ પર ૨૪/૭ ઓનલાઈન મોનિટરિંગ સેન્સર અને સીસીટીવી કેમેરા ફરજિયાત કરી તેને પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે. જે કંપની નિયમોનો ભંગ કરતી ઝડપાય તો તેની વીજળી અને પાણીનું જોડાણ તાત્કાલિક કાપીને સંચાલકો સામે ફોજદારી રાહે ગુનો નોંધી જેલભેગા કરવામાં આવે. સાથોસાથ, જે તે વિસ્તારના જવાબદાર GPCB અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પણ કડક ખાતાકીય પગલાં લેવાય ત્યારે જ આ ઝેરી મિલીભગત અને પ્રદૂષણના કાળા ખેલનો અંત આવશે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!