Skip to main content

Geo Gujarat News

આમોદમાં પાલિકા સામે પ્રજાનો વિસ્ફોટ! પ્રમુખના પોતાના વોર્ડમાં જ કોંગ્રેસ હાય-હાય, પ્રમુખ હાય-હાય ના ગગનભેદી નારા, ભાજપ યુવા મહામંત્રીએ આપી ઉગ્ર આંદોલનની ખુલ્લી ચીમકી!

આમોદ નગરપાલિકાની કામગીરી સામે હવે પ્રજાનો આક્રોશ ખુલ્લેઆમ રસ્તા પર ઉતરી આવ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે જે વોર્ડમાંથી નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ ચૂંટાઈ આવ્યા, એ જ વોર્ડના લોકો હવે પાલિકા કચેરીએ પહોંચી કોંગ્રેસ હાય-હાય… પ્રમુખ હાય-હાય… ના ગગનભેદી નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રસ્તાઓમાં પડેલા ખાડા, ગંદકીના ઢગલા, ગટરોની દુર્ગંધ અને સફાઈના અભાવે કંટાળેલા સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક કામગીરીની માંગ કરી છે.સ્થાનિકોના આક્ષેપો મુજબ રબારીવાડ સહિત સમગ્ર વિસ્તારમાં મહિનાઓથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. વરસાદી પાણીથી રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે, જ્યારે ગંદકી અને સફાઈના અભાવે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો છતાં પાલિકા માત્ર આશ્વાસન આપતી રહી, પરંતુ જમીન પર કોઈ અસરકારક કામગીરી જોવા મળી નથી. પરિણામે લોકોનો ધીરજનો બાંધ હવે તૂટી ગયો છે.આ સમગ્ર મુદ્દે વિપક્ષે પણ પાલિકા પ્રમુખ અને તંત્રને ઘેર્યા છે. વિપક્ષના આગેવાનોનો દાવો છે કે પ્રજાના મૂળભૂત પ્રશ્નો પ્રત્યે પાલિકા સંપૂર્ણપણે ઉદાસીન બની ગઈ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિકાસના દાવા કરે છે, પરંતુ હકીકતમાં લોકો રસ્તા, સફાઈ અને ગંદકી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના શહેર યુવા મહામંત્રી મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારીએ પણ પાલિકાને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને રબારીવાડ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવવા અને રસ્તાઓનું રિપેરીંગ શરૂ કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો પાલિકા હવે પણ ઊંઘતી રહેશે તો નગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ અને જનઆંદોલન કરવામાં આવશે. રજુઆતમાં જણાવાયું છે કે રબારીવાડ વિસ્તારમાં મહત્વનું ધાર્મિક સ્થળ આવેલું હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની અવરજવર રહે છે. છતાં ગંદકીના ઢગલા, ખુલ્લી ગટરોની દુર્ગંધ અને જોખમી ખાડાઓ વચ્ચે લોકોને પસાર થવું પડે છે. પાલિકાની આ બેદરકારી લોકોના આરોગ્ય અને સુરક્ષા બંને માટે ગંભીર ખતરો ઉભો કરી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.આ સમગ્ર મામલે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ બચાવ કરતાં જણાવ્યું કે ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખીને આગમન રૂટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને રબારીવાડ અંગે રજૂઆત મળી છે. આગામી બે દિવસમાં સફાઈ અને બાકી રહેલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બે દિવસનું આશ્વાસન ખરેખર કામગીરીમાં બદલાશે કે ફરી એકવાર માત્ર વચનોનો વરસાદ જ વરસશે? પ્રમુખના પોતાના વોર્ડમાંથી જ ઉઠેલો વિરોધ પાલિકા તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે હવે આશ્વાસન નહીં, પરંતુ રસ્તા, ખાડા અને ગંદકીના પ્રશ્નોનો કાયમી ઉકેલ જોઈએ, નહીં તો આમોદમાં આક્રોશ વધુ ઉગ્ર બનશે.

 

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!