Skip to main content

Geo Gujarat News

આમોદમાં બચ્ચો કા ઘર ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, SOG પોલીસે સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અને સોશિયલ મીડિયાના સદુપયોગની આપી શીખ..

આમોદ ખાતે આવેલ બચ્ચો કા ઘર સંસ્થામાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને સામાજિક સમજણ વધારવાના હેતુસર વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ SOG પોલીસના ASI ગુલામભાઈ, વિપુલભાઈ તથા તન્વીરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન SOGમાંથી પધારેલા મહેમાનોનું સંસ્થાના ટ્રસ્ટીગણ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અને સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ઉપસ્થિત SOGના ASIએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવા તથા વિદેશી ચેનલોને ફોલો ન કરવા અપીલ કરી હતી. સાથે જ સોશિયલ મીડિયામાં મળતી દરેક માહિતી સાચી હોય તે જરૂરી નથી, તેથી કોઈપણ માહિતી પર આંખ બંધ કરીને વિશ્વાસ ન રાખવા અને સાવચેતી પૂર્વક તેનો ઉપયોગ કરવા પણ સમજાવવામાં આવ્યું હતું.હાલના સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડના બનાવોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. અજાણ્યા ફોન, મેસેજ કે લિંક પર પ્રતિસાદ ન આપવો, પોતાની અંગત માહિતી શેર ન કરવી તેમજ સાયબર છેતરપિંડીથી બચવા માટે જાગૃત રહેવા અંગે પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી તથા અન્ય આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને જરૂરી સામાજિક જ્ઞાન અને જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી, સારા નાગરિક તરીકેની ફરજ તથા બદલાતા ડિજિટલ યુગમાં સાવચેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી બશિર રાણા, સેક્રેટરી ઈબ્રાહીમભાઈ, મદ્રસાના સદર મુદરરિસ મૌલાના ઐયુબ સુનિયા, શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત ગુજરાતી અને ઈંગ્લીશ મીડીયમના અંદાજે 1100થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને SOG પોલીસના અધિકારીઓ પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના મુસ્તકિમ સર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે હનીફ સર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં ડિજિટલ જાગૃતિ, સાયબર સુરક્ષા અને સામાજિક જવાબદારી અંગે સમજણ કેળવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ ખુબજ ઉપયોગી અને માર્ગદર્શક બની રહ્યો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!