સલાદરામાં તુરબત હલવાની વાતે ભારે ચર્ચા, સલાતો-સલામ અને દુઆઓ માટે ઉમટ્યા અકીદતમંદો: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામે આવેલા કબ્રસ્તાનમાં હઝરત મજલેસાબ બાવાની તુરબત હલવાની વાત ફેલાતા અકીદતમંદોમાં કુતૂહલ સાથે આસ્થાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વાગરા તાલુકા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સલાદરા કબ્રસ્તાન ખાતે ઉમટી પડ્યા હતા. અને દરગાહ પર સલાતો-સલામ પેશ કરી અકીદત સાથે દુઆઓ ગુજારી હતી. મળતી માહિતી મુજબ, વાગરા વિસ્તારના કેટલાક યુવાનો હઝરત મજલેસાબ બાવાની તુરબત પર ફૂલ-ફાતેહા અદા કરવા માટે સલાદરા સ્થિત કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા. દરમિયાન તુરબત પાસે અચાનક હલનચલન અનુભવાયું હોવાની વાત યુવાનો દ્વારા કરવામાં આવી હતી. આ વાતને પગલે સ્થળ પર હાજર લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળ્યું હતું.
તુરબત હલવાની વાતે સલાદરામાં ઉમટ્યો અકીદતમંદોનો માનવ મહેરામણ! ઘટનાની જાણ થતાં મજાર પર હાજર યુવાનોએ ટેલિફોન મારફતે હઝરત આમીન બાપુને જાણ કરી હતી. જાણ થતાં તેઓ પણ તાત્કાલિક સલાદરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા. દરમિયાન ઘટનાની વાત ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં અકીદતમંદો સલાદરા ખાતે પહોંચવા લાગ્યા હતા. સલાદરા કબ્રસ્તાન ખાતે પહોંચેલા અકીદતમંદોએ હઝરત મજલેસાબ બાવાની તુરબત પાસે અકીદતપૂર્વક હાજરી આપી સલાતો-સલામ પેશ કર્યા હતા. અનેક શ્રદ્ધાળુઓએ ફાતેહા ખ્વાની કરી પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર વિસ્તારમાં અમન-ચેન, ખુશહાલી તથા બરકત માટે ખાસ દુઆઓ ગુજારી હતી. જેના પગલે સમગ્ર કબ્રસ્તાન પરિસરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલો માહોલ જોવા મળ્યો હતો.
સલાતો-સલામ અને દુઆઓ માટે ઉમટ્યા અકીદતમંદો! આ અનુસંધાને આજે મંગળવારની સાંજે અસરની નમાજ બાદ સલાદરા કબ્રસ્તાન ખાતે ખાસ ફાતેહા ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાગરા તાલુકા ઉપરાંત આસપાસના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ સંપૂર્ણ અકીદત અને શ્રદ્ધા સાથે ફાતેહા અદા કરી અને બાદમાં સામૂહિક રીતે દુઆઓ ગુજારી હતી. ઉલ્લેખનીય છે કે, તુરબત હલવાની વાત અંગે કોઈ વૈજ્ઞાનિક કે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. જોકે, ઘટનાને લઈને અકીદતમંદોમાં ભારે આસ્થા અને કુતૂહલ જોવા મળી રહ્યું છે અને લોકો તેને પોતાની ધાર્મિક માન્યતા તથા અકીદતના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. ઘટનાની ચર્ચાને પગલે સલાદરા કબ્રસ્તાન ખાતે દિવસ દરમિયાન પણ શ્રદ્ધાળુઓની અવરજવર જોવા મળી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com