Skip to main content

Geo Gujarat News

ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા પરની દુકાનમાંથી રૂપિયા ૧૫ લાખ ભરેલ બેગની ઉઠાંતરીથી ચકચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીકની એક દુકાનમાંથી કોઇ અજાણ્યો ઇસમ રૂપિયા ૧૫ લાખ જેટલી રોકડ રકમ ભરેલ બેગ ઉઠાવી ગયો હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ રાજપારડી ચાર રસ્તા પર આવેલ પીયુશ જનરલ સ્ટોર નામની બીડી-સિગારેટ,પાન પડીકીની જથ્થાબંધ દુકાનમાંથી આજે સવારે દુકાન ખોલ્યા બાદ ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક અજાણ્યો ઇસમ દુકાનમાંથી રૂપિયા ૧૫ લાખ જેટલી રોકડ રકમ ઉઠાવી ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. દુકાનમાલિક ડાહ્યાભાઇ પટેલે આપેલ વિડીઓ નિવેદનમાંથી મળતી વિગતો અનુસાર દુકાનમાલિક સવારે દુકાન ખોલીને દુકાનમાં બીલો ચેક કરતા હતા,તે દરમિયાન એક અજાણ્યો ઇસમ દુકાનમાં આવ્યો હતો અને સિગારેટ જોઇએ છે એમ કહ્યું હતું,દુકાનમાલિકે ગ્રાહકે માંગેલ બ્રાન્ડની સિગારેટ તેમની પાસે નથી એમ જણાવતા તે અજાણ્યો ઇસમ દુકાન બહાર ગયો હતો.ત્યારબાદ ડાહ્યાભાઇ દુકાનનું શટર પાડીને દુકાનના પાછળના ભાગે આવેલ બાથરૂમમાં ગયા હતા,તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે દુકાનમાં રૂપિયા ભરેલ બેગ મુકી હતી તે હતી નહિ,તેથી તેમણે દુકાનના ઉપરના ભાગે તેમના રહેણાંકમાંથી તેમના દિકરા પીયુશને ફોન કરીને બોલાવ્યો હતો. પીયુશ તરત જ દુકાનમાં આવ્યો હતો અને દુકાનના સીસી ટીવી કેમેરા ચેક કરતા જે ઇસમ સિગારેટ લેવા આવ્યો હતો તે કેમેરામાં જણાયો હતો,જેથી દુકાનમાલિક ડાહ્યાભાઇએ ગ્રાહક બનીને આવેલ તે અજાણ્યો ઇસમ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી થઇ હોવાની ઘટના બનતા એલસીબી અને એસઓજી પોલીસની ટીમો પણ રાજપારડી આવી ગઇ હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે પોલીસ દ્વારા નાકાબંધી કરીને અજાણ્યા ચોરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આજ પીયુશ જનરલ સ્ટોરમાં એક મહિના અગાઉ રૂપિયા ૯૮ હજારની કિંમતના સિગારેટના પેકેટો ચોરાયા હતા,ત્યારબાદ એક મહિના પછી દુકાનમાંથી રૂપિયા ૧૫ લાખની રોકડ રકમ ભરેલ બેગની ઉઠાંતરી થતા એકજ દુકાનને નિશાન બનાવતા અજાણ્યા તસ્કરો સાથે કોઇ જાણભેદુ પણ સંકળાયેલો હોવાની શંકાઓ પણ પ્રબળ બની છે,ત્યારે પોલીસ તપાસ બાદ જ ચોરીની સાચી હકિકત બહાર આવશે એમ હાલના તબક્કે જણાય રહ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!