ભરૂચ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની શી-ટીમની જાગૃત કામગીરીના કારણે એક 16 વર્ષની સગીરાને ગંભીર જોખમમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી અપહરણ કરાયેલી બાળકી અંગેની હકીકત સમયસર સામે આવતા તેને વધુ ગંભીર ગુનાનો ભોગ બનતા અટકાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, 7 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર એક બાળકી મૂંઝવણભરી સ્થિતિમાં બેઠેલી જોવા મળી હતી. શી-ટીમના જવાનોએ તેની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લેતા બાળકી પાસેથી સમગ્ર ઘટનાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. બાળકીના જણાવ્યા મુજબ, 5 સપ્ટેમ્બરના રોજ તે સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની બસ છૂટી ગઈ હતી. ત્યારબાદ તેણે ઘરે જવા માટે રિક્ષા લીધી હતી. જોકે, રિક્ષાચાલકે તેનું અપહરણ કરી તેને ડરાવી-ધમકાવી ટ્રેન મારફતે મુંબઈ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સગીરાને દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધામાં ધકેલવાનો ઈરાદો હોવાની હકીકત સામે આવી હતી.
જોકે, સગીરાએ હિંમત અને સમયસૂચકતા દાખવી ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતા વૉશરૂમ જવાનું કહી ટ્રેનમાંથી નીચે ઉતરી પોતાનો બચાવ કર્યો હતો. ત્યારબાદ શી-ટીમની નજરે પડતાં સમગ્ર મામલો ખુલ્યો અને બાળકી સુરક્ષિત મળી આવી હતી. બાદમાં સખી વન સ્ટોપ સેન્ટરના સહયોગથી બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને તેના પિતા સાથે સુખદ પુનઃમિલાપ કરાવવામાં આવ્યો હતો. શી-ટીમની સતર્કતાથી સગીરા વધુ ગંભીર પરિસ્થિતિમાં સપડાય તે પહેલાં તેનો બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ વાલીઓ અને બાળકો માટે પણ મહત્વપૂર્ણ સાવચેતીનો સંદેશ સામે આવ્યો છે. બાળકો રિક્ષા કે અન્ય કોઈ વાહનમાં મુસાફરી કરે ત્યારે વાહનનો નંબર પરિવારને મેસેજ કરવો, શંકાસ્પદ સ્થિતિ જણાય તો તરત આસપાસના લોકોનું ધ્યાન ખેંચવું અને ગભરાયા વગર મદદ માંગવી જોઈએ. બાળકોને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન, 181 અને 112 જેવા ઇમરજન્સી નંબર યાદ રાખવા તેમજ સ્માર્ટફોન હોય તો મુસાફરી દરમિયાન પરિવાર સાથે લાઈવ લોકેશન શેર કરવાની ટેવ પાડવી જરૂરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com