અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી ડેટોક્સ કંપનીની ચીમનીમાંથી પીળા રંગનો ધુમાડો ધીરે ધીરે ઓછી માત્રામાં બહાર છોડવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ચીમનીમાંથી નીકળતા અસામાન્ય રંગના ધુમાડાને પગલે આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ અંગે ચિંતા ઊભી થઈ છે. જોકે આ ધુમાડો કયા કેમિકલ કે પ્રક્રિયાના કારણે નીકળી રહ્યો છે, તે અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી.
પર્યાવરણની દૃષ્ટિએ ચીમનીમાંથી નીકળતા રંગીન અથવા અસામાન્ય ધુમાડાને સામાન્ય ગણીને આંખ આડા કાન કરી શકાય નહીં. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં આવા ધુમાડાના કારણે હવામાં કોઈ હાનિકારક તત્ત્વોનું ઉત્સર્જન થઈ રહ્યું છે કે કેમ તે જાણવા માટે તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ જરૂરી બને છે. માત્ર ધુમાડાની માત્રા ઓછી થઈ રહી છે તેનાથી પ્રદૂષણનો પ્રશ્ન આપોઆપ સમાપ્ત થઈ જતો નથી.
આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર પહોંચી ચીમનીમાંથી ઉત્સર્જનના નમૂના લેવામાં આવે અને જરૂરી હોય તો આસપાસની હવાની ગુણવત્તાના પણ નમૂના લઈ લેબોરેટરી તપાસ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો નિયમોનો ભંગ જણાય તો માત્ર નોટિસ આપી મામલો થાળે પાડવાને બદલે જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જરૂરી છે. ઔદ્યોગિક વિકાસની આડમાં હવાના સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી શકાય નહીં. GPCBની જવાબદારી માત્ર કાગળ પર કાર્યવાહી કરવાની નહીં, પરંતુ પ્રદૂષણની હકીકત સુધી પહોંચીને જરૂરી પગલાં લેવાની છે. હવે જોવાનું એ રહ્યું કે ડેટોક્સ કંપનીની ચીમનીમાંથી નીકળતા આ પીળા ધુમાડા અંગે GPCB ક્યારે સ્થળ તપાસ કરી નમૂના લે છે અને તપાસના પરિણામના આધારે શું કાર્યવાહી કરે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com