ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં યોજાઈ રહેલો ફાયર શો મનોરંજનને બદલે અચાનક ભયનું કારણ બન્યો હતો. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા તે દરમિયાન સોના જ્યુસ સેન્ટર અને અંબિકા જ્વેલર્સ આવેલી ઇમારતના ઉપરના ભાગે આવેલા હોડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્ષણભર માટે સમગ્ર વિસ્તાર ભયના ઓથાર હેઠળ આવી ગયો હતો.
ફાયર શો દરમિયાન જ નજીકના હોડિંગમાં આગ લાગવાની ઘટનાએ આયોજનની સુરક્ષા વ્યવસ્થા સામે સીધા સવાલો ઉભા કર્યા છે. જાહેર માર્ગ પર હજારો લોકોની અવરજવર વચ્ચે આગ સાથે સંકળાયેલો કાર્યક્રમ યોજાતો હોય ત્યારે આસપાસની દુકાનો, ઇમારતો, વીજ લાઇનો, વાહનો અને સૌથી મહત્વપૂર્ણ રીતે લોકોની સુરક્ષાને લઈને કડક તકેદારી જરૂરી બને છે. પરંતુ આ ઘટનાએ સવાલ ઉભો કર્યો છે કે શું ફાયર શો શરૂ કરતા પહેલાં સ્થળની સુરક્ષાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું?
આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ કાબૂમાં આવી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. જો આગ હોડિંગથી આસપાસની ઇમારત, દુકાનો અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી સુધી પહોંચી હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકતી હતી. આ ઘટનાને માત્ર નાની આગ ગણીને ભૂલી જવી જોખમી સાબિત થઈ શકે છે. ફાયર શો માટે મંજૂરી આપવામાં આવી હતી કે નહીં, સ્થળની આસપાસ જરૂરી સુરક્ષિત અંતર જાળવવામાં આવ્યું હતું કે નહીં, આગ બુઝાવવાના સાધનો સ્થળ પર ઉપલબ્ધ હતા કે નહીં અને ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને બહાર કાઢવા માટે પૂરતો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો હતો કે નહીં. આ તમામ મુદ્દે જવાબદારી નક્કી થવી જરૂરી છે.
જાહેર કાર્યક્રમોમાં મનોરંજનના નામે જોખમને આમંત્રણ આપી શકાય નહીં. ખાસ કરીને મોટી ભીડ વચ્ચે ફાયર શો યોજાતો હોય ત્યારે એક નાની બેદરકારી પણ મોટી જાનહાનિમાં ફેરવાઈ શકે છે. પાંચબત્તીની આ ઘટના તંત્ર અને આયોજકો બંને માટે ગંભીર ચેતવણી સમાન છે. હવે સવાલ એ છે કે આગામી ફાયર શો પહેલાં નિયમો અને સલામતીના ધોરણોની ખરેખર કડક ચકાસણી થશે કે પછી મોટી દુર્ઘટના બને તેની રાહ જોવામાં આવશે?
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com