મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે. મીયાસણા-નંદાલી વિસ્તારમાં ઉઘરાણી માટે ખેતરો વચ્ચેથી પસાર થઈ રહેલા કનુસિંહ પરમારને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, કનુસિંહ પરમાર ઉઘરાણીના કામે ખેતરોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખેતરમાં છુપાયેલા એક શખ્સે અચાનક તેમના પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં ગોળી કનુસિંહના પેટના ભાગે વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત કનુસિંહને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજા ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ખેતરમાં છુપાઈને કરવામાં આવેલા આ ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ખુલ્લેઆમ ગોળીબારની આ ઘટનાએ અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ કેટલો છે તે અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ દ્વારા ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ, આરોપીની ઓળખ અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com