Skip to main content

Geo Gujarat News

વાગરા: પહાજમાં અંધારાનો લાભ લઈ યુવક પર ઘાતક હુમલો! વીજળી ગુલ થતાં જ છરાથી તૂટી પડ્યો શખ્સ, ઘટનાસ્થળે છરો અને બુલેટની ચાવી મળી હોવાનો દાવો

પહાજમાં અંધારાનો ઓથાર બન્યો હુમલાનો હથિયાર! 27 વર્ષીય યુવક પર છરાના ઘા ઝીંકતા ચકચાર! વાગરા તાલુકાના પહાજ ગામે વરસાદી માહોલ વચ્ચે વીજળી ગુલ થતાની સાથે જ 27 વર્ષીય આશાસ્પદ યુવક ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પહાજ ગામના કાછીયા ફળિયા વિસ્તારમાં મિત્રો સાથે બેસવા ગયેલા વસીમ ઇકબાલ દિવાન ઉપર અચાનક એક ઇસમે હુમલો કરી દેતાં લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી ગુલ થઈ હતી. આ અંધારાનો લાભ લઈ હુમલાખોરે વસીમ દિવાન ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે યુવકના હાથ, છાતી સહિત શરીરના વિવિધ ભાગો ઉપર જીવલેણ ઘા ઝીંકતાં વસીમ લોહીલુહાણ થઈ ગયો હતો. જોકે, તેની સાથે હાજર મિત્રો-ભાઈબંધોએ તાત્કાલિક હિંમત દાખવી યુવકને બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વસીમને લોહીલુહાણ હાલતમાં કાર મારફતે તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.યુવક પર જીવલેણ હુમલો! છરાના ઘાથી લોહીલુહાણ, હુમલાખોરની શોધખોળ તેજ: દરમિયાન, સ્થળ પરથી વાયરલ થયેલા એક વીડિયોમાં હુમલામાં ઉપયોગમાં લેવાયેલો હોવાનું જણાવાતો છરો તેમજ બુલેટની ચાવી નજરે પડતી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વીડિયોમાં હુમલો કરનાર ઇસમ તરીકે ગામનાજ આસિફ પટેલ નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વીડિયોમાં કરવામાં આવતા દાવા સાચા છે કે નહીં તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હુમલાખોરની ઓળખ, હુમલાનું ચોક્કસ કારણ તથા ઘટનાની હકીકત જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવક ઉપર આટલો ઘાતક હુમલો કયા કારણોસર અને કોની દ્વારા કરવામાં આવ્યો તે હાલ રહસ્યના પડદામાં છે. બીજી તરફ વાયરલ વીડિયોમાં સામે આવતા દાવાઓને પગલે ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે પોલીસની નિષ્પક્ષ તપાસમાં જ સમગ્ર ઘટનાનું સાચું કારણ અને હુમલાખોર અંગેની હકીકત બહાર આવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!