વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી MORADIYA CHEMICALS કંપનીમાં આજે થયેલા ભયંકર બ્લાસ્ટથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. જોરદાર ધડાકા બાદ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા લગભગ 7 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ નજરે પડ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. ઘટનાના સમાચાર ફેલાતાં આસપાસની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને ઉદ્યોગકારોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટના બાદ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આગનું પ્રમાણ વધુ હોવાથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલ સુધી જાનહાની અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને બ્લાસ્ટ પાછળનું કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર સાયખા GIDCની આ ગંભીર ઘટનાએ ઔદ્યોગિક સલામતી વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
MORADIYA CHEMICALSમાં લાગેલી વિકરાળ આગ હજુ સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આગની તીવ્રતા યથાવત રહેતાં ઘટનાસ્થળે બચાવ અને નિયંત્રણ કામગીરી સતત ચાલુ છે. વાગરા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તેમજ ઇમરજન્સી સેવાઓ મોટી સંખ્યામાં સ્થળ પર તહેનાત રહી આગ પર કાબૂ મેળવવા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા જાળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાના દૃષ્ટિકોણથી સતર્ક રાખવામાં આવ્યો છે.
વિડીયો જોવા લિંક પર ક્લિક કરો..
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com