ભરૂચ અને જંબુસરને જોડતા આમોદ નજીકના હાઈવે-64 પર ચાલી રહેલી રોડ નિર્માણ કામગીરી ગંભીર બેદરકારીનું જીવંત ઉદાહરણ બની છે. હાઈવેની બાજુમાં યોગ્ય રીતે માટીનું પૂરાણ ન કરાતા અને પાણીના નિકાલ માટે બનાવાયેલી ગટરોની તકલાદી કામગીરીના કારણે રોજિંદા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખુલ્લી ગટર, તૂટેલા ઢાંકણાં અને ખાલી પડેલી સાઈડને કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ત્રણથી વધુ વાહનો રોડની બાજુમાં ફસાઈ ચૂક્યા છે.
આઇસર ટેમ્પો, રિક્ષા અને ઈકો કાર જેવી ગાડીઓને સ્થાનિકોની ભારે મહેનત બાદ બહાર કાઢવી પડી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ હાઈવે પર આવી બેદરકારી કોઈપણ સમયે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સૌથી મોટો સવાલ એ છે કે કરોડોના રોડકામ છતાં સલામતીના મૂળભૂત ધોરણોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી? રાત્રિના સમયે ખુલ્લી ગટર અને અધૂરું પૂરાણ વાહનચાલકો માટે મોતનો ફંદો સાબિત થઈ શકે છે. સ્થાનિકોએ રોડકામ કરતી એજન્સી અને સંબંધિત તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી, ખુલ્લી ગટરો બંધ કરવા અને યોગ્ય પૂરાણ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com