Skip to main content

Geo Gujarat News

આમોદને મળ્યું સ્વચ્છતાનું નવું હથિયાર! DGVCLના CSR ફંડમાંથી મીની JCB અને ટ્રેક્ટરનું લોકાર્પણ, હવે સફાઈ કામગીરીમાં આવશે ઝડપ

આમોદ નગરપાલિકાને સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનની કામગીરી વધુ અસરકારક બનાવવા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના CSR ફંડમાંથી મીની JCB અને ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે રિબન કાપી અને શ્રીફળ વધેરી બંને વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પાલિકાના મુખ્ય અધિકારી રાકેશ ઠાકોર, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપના હોદેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા સાધનો મળતા શહેરમાં સફાઈ, કચરા ઉપાડ, ગટર-રસ્તાની સફાઈ સહિતની કામગીરીમાં વધુ ઝડપ અને સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે DGVCLના CSR ફંડમાંથી મળેલા આ સાધનો માત્ર વાહનો નથી, પરંતુ શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટેનું મહત્વનું સાધન છે. તેમણે જણાવ્યું કે આ સાધનોનો ઉપયોગ નગરજનોની સેવા અને સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, લાખો રૂપિયાના આ સાધનો માત્ર લોકાર્પણ પૂરતા જ મર્યાદિત રહેશે કે ખરેખર શહેરના દરેક વોર્ડમાં નિયમિત સફાઈ અને કચરા વ્યવસ્થાપનમાં તેનો અસરકારક ઉપયોગ થશે? આમોદના નાગરિકોની નજર હવે નગરપાલિકાની કામગીરી અને આ સાધનોના વાસ્તવિક ઉપયોગ પર ટકેલી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ નગરમાં આજે પણ અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા, કચરાનો ઉપદ્રવ અને સફાઈની બેદરકારી અંગે લોકો સતત ફરિયાદો કરી રહ્યા છે. આવા સમયે મીની JCB અને ટ્રેક્ટરનું લોકાર્પણ માત્ર ફોટોસેશન કે પ્રચાર પૂરતું ન રહે, પરંતુ તે ખરેખર રસ્તાઓ પર ઉતરી નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવે તે સમયની માંગ છે. હવે નગરપાલિકા માટે આ સાધનો પોતાની કામગીરી સાબિત કરવાની કસોટી સમાન છે. જો લાખો રૂપિયાના આ સાધનો ઉપયોગ વગર ઊભા રહેશે, તો સ્વચ્છતાના દાવા પર ગંભીર સવાલો ઊભા થવામાં વાર નહીં લાગે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!