Skip to main content

Geo Gujarat News

આમોદમાં વરસાદી પાણીથી સ્કૂલનો રસ્તો તળાવ બન્યો! માસૂમ વિદ્યાર્થીઓ કાદવ-કીચડમાં ચાલવા મજબૂર, પાલિકા સામે ઉઠ્યા કડક સવાલો..

આમોદ નગરમાં BSNL કચેરી નજીક પુરસા નવીનગરી મિશ્ર શાળા-2 પાસે વરસાદી પાણીના ભરાવાની ગંભીર સમસ્યાએ ફરી એકવાર પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વરસાદ પડતાની સાથે જ સમગ્ર વિસ્તાર તળાવમાં ફેરવાઈ જાય છે અને પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે લાંબા સમય સુધી ગંદુ પાણી રસ્તા પર જ ઉભું રહે છે. પરિણામે સ્કૂલે આવતા નાનાં-નાનાં વિદ્યાર્થીઓને કાદવ અને ગંદા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે, જેના કારણે તેમના યુનિફોર્મ બગડે છે અને આરોગ્ય સામે પણ જોખમ ઊભું થાય છે.સ્થાનિકોમાં ભારે રોષ વચ્ચે વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે સ્થળ મુલાકાત લઈ પાલિકાની કામગીરી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે વરસાદી પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં કાદવ, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. બાળકોના ભવિષ્ય અને આરોગ્ય સાથે આ પ્રકારની બેદરકારી કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં.

નિર્મલ પટેલે પાલિકાને તાકીદે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો નાગરિકોના હિતમાં વધુ ઉગ્ર લડત અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દર વરસાદે બાળકોને કાદવમાં ધકેલતી આ સમસ્યા સામે આમોદ પાલિકા ક્યારે જાગશે? કે પછી માસૂમ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ યથાવત રાખીને માત્ર કાગળ પરની કામગીરીથી સંતોષ માનશે?આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આમોદ પાલિકાએ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ લાઇન, ગટર અને ઢાળની વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી બની છે. શાળા વિસ્તાર હોવાથી બાળકોની સુરક્ષા અને સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપીને રસ્તા પર ભરાતું પાણી દૂર કરવાની તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ. માત્ર કામચલાઉ પેચવર્ક નહીં, પરંતુ કાયમી આયોજન સાથે સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી પંથકના વાલીઓ, સ્થાનિકો અને જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ ઉઠી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!