અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર બેદરકારીભર્યા ડ્રાઇવિંગ અને માર્ગ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કરતો અકસ્માત સામે આવ્યો છે. પ્રતિન ચોકડીથી અંકલેશ્વર GIDC તરફ જતા ઓવરબ્રિજ પર એક કાર અચાનક ડિવાઇડર તોડી બ્રિજની નીચેથી ખાબકતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતનો દૃશ્ય જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પહેલા ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી. અને ત્યારબાદ બ્રિજ પરથી નીચે પટકાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તરત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં જાનહાની અંગે કોઈ એહવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, આ ઘટનાએ ઓવરબ્રિજ પર વાહનચાલકોની સુરક્ષા, ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયંત્રણ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે. સવાલ એ છે કે શહેરના વ્યસ્ત ઓવરબ્રિજ પર આવા ગંભીર અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક તંત્ર અને સંબંધિત વિભાગો વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ક્યારે અમલમાં મૂકાશે? સ્થાનિકોમાં પણ માર્ગ સુરક્ષા અંગે ચિંતા જોવા મળી રહી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com