Skip to main content

Geo Gujarat News

આમોદ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોતને મ્હાત આપતો ટ્રિપલ અકસ્માત! ફાયર વિભાગની જંગી રેસ્ક્યુ કામગીરીથી ડ્રાઈવરનો જીવ બચ્યો

આમોદ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક એવો ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો કે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. માતર ગામ નજીક માતર ટોલ પ્લાઝાથી અંદાજે બે કિલોમીટર વડોદરા તરફ ફોરવ્હીલર, લાંબા ટ્રેલર અને બાડમેરથી સુરત તરફ જઈ રહેલી પેસેન્જર ભરેલી ટ્રાવેલ્સ બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રાવેલ્સ બસનો ડ્રાઈવર કેબિનમાં લોખંડના પતરાં અને સ્ટિયરિંગ વચ્ચે ફસાઈ ગયો હતો. ડ્રાઈવરને બહાર કાઢવો મુશ્કેલ બની ગયો હતો અને દરેક ક્ષણ જીવન-મરણની જંગ સમાન બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને વિલંબ કર્યા વગર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.ફાયર વિભાગે હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી બસની કેબિનના પતરાં અને સ્ટિયરિંગ કાપી ડ્રાઈવરને સહીસલામત બહાર કાઢ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલી જહેમત બાદ ડ્રાઈવરનો સફળતાપૂર્વક જીવ બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.પોલીસ અને રાહત-બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લઈ વાહનોની અવરજવર ફરી શરૂ કરાવી હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતો ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કરી રહ્યા છે. ઓવરસ્પીડ, બેદરકારીભર્યું ડ્રાઇવિંગ અને ભારે વાહનોની અવ્યવસ્થિત અવરજવર જેવા મુદ્દાઓ પર કડક અમલ નહીં થાય તો આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે. હાઈવે પર અકસ્માત નિવારણ માટે તંત્ર હવે માત્ર કાર્યવાહી નહીં, પરંતુ અસરકારક અમલીકરણ કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે.

 

 

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!