Skip to main content

Geo Gujarat News

આમોદ-પાલેજ રોડ પર ગોજારો અકસ્માત, દોરા-દાંડા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું કરૂણ મોત..

આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ-પાલેજ રોડ પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દોરા-દાંડા ગામ નજીક ગત રાત્રે પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની ઓળખ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.અકસ્માત બાદ વાહનચાલક અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, જરૂરી કાર્યવાહી હાથ ધરી અને ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ફરાર અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આમોદ-પાલેજ રોડ પર વારંવાર જીવલેણ અકસ્માતો બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેફામ ઝડપ, બેદરકાર વાહનચાલકો અને માર્ગ સલામતીના અભાવને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ જવાબદાર વાહનચાલકને ઝડપથી પકડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

 

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!