Skip to main content

Geo Gujarat News

આમોદ: વડનગરથી વારાણસી નીકળેલી ઐતિહાસિક બાઈક યાત્રાનું આમોદ ખાતે ભવ્ય સ્વાગત, યુવાનોમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ…

આમોદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સુશાસનના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના અવસર તેમજ તેમના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત ઐતિહાસિક વડનગરથી વારાણસી બાઈક યાત્રા આજે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પહોંચતા શહેરમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાંથી નક્કી કરાયેલા 10 રૂટ પૈકી રૂટ નંબર-8 હેઠળ વડોદરાથી પાદરા થઈને આ બાઈક યાત્રા આમોદ પહોંચી હતી. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા બાઈક સવારો વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ ખાતે ગંગાજળ વડે જળાભિષેક કરવા માટે આગળ વધી રહ્યા છે. આમોદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, ભાજપના કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ બાઈક યાત્રાનો પ્રારંભ આમોદના એપલ હોટેલ પાસેથી થયો હતો, જ્યાં યાત્રીઓનું પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સૌપ્રથમ શહેરની મુખ્ય બજારમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ રેલી મુખ્ય બજારમાં આગળ વધીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખાતે પહોંચી, જ્યાં પણ પુષ્પાંજલિ અર્પણ કરી મહાન રાષ્ટ્રપુરુષોના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઈક રેલી મુખ્ય ચોકડી થઈને નાહિયેર મંદિર ખાતે પહોંચી હતી.અહીં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત યુવાનો અને કાર્યકરોએ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આગામી એક મહિના સુધી સમગ્ર દેશમાં સેવા, જનકલ્યાણ અને સમાજહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડનગરથી વારાણસી સુધીની આ ઐતિહાસિક બાઈક યાત્રાનો હેતુ દેશના વિકાસ, સુશાસન અને સેવા સંકલ્પના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે. આમોદ ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મામલતદાર ડો. મયુર વરિયા, ચીફ ઓફિસર રાકેશ ઠાકોર સહિત શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો, આગેવાનો, મહિલા મોરચા, યુવા મોરચાના કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કાર્યક્રમો બાદ બાઈક યાત્રાને આગામી મુકામ તરફ આગળ વધારવામાં આવી હતી. દેશભક્તિના નારાઓ અને બાઈક સવારોના ઉમંગ વચ્ચે યાત્રાને વિદાય આપવામાં આવી હતી, જેના કારણે સમગ્ર આમોદ પંથકમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!