ભરૂચ: જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ભરૂચના આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન-સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ સરકારી વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી અને પ્રલંબિત પ્રશ્નોના સમયસર નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ, આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન પ્રકરણો, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પત્રો, વિવિધ હેતુઓ માટે ફાળવાયેલી સરકારી જમીન તેમજ એ.જી. ઓડિટના બાકી પેરાઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટર કચેરી તરફથી મોકલાયેલા પત્રોની સ્થિતિની સમીક્ષા સાથે તમામ વિભાગોને ઓનલાઈન ડેટા એન્ટ્રી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી. ઉપરાંત ઈ-સરકાર પોર્ટલના અસરકારક અમલ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને જનસેવા કેન્દ્રોની કામગીરી તેમજ વિભાગીય આંતરિક પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા, નાયબ વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગયતા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com