ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે ફરી એકવાર પોતાની હાજરી નોંધાવી છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શનિવારે બપોર બાદ ભરૂચ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જોકે થોડા સમય બાદ વરસાદ થંભી ગયો હતો. જિલ્લાના જંબુસર, આમોદ, ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં દિવસ દરમિયાન મળીને સરેરાશ 7.11 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં ભરૂચમાં સૌથી વધુ 25 મિમી, જંબુસરમાં 22 મિમી, અંકલેશ્વરમાં 12 મિમી અને આમોદમાં 5 મિમી વરસાદ વરસ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વરસાદનું આવાગમન ચાલુ છે. 16 અને 17 સપ્ટેમ્બરે સામાન્ય વરસાદ બાદ 18 સપ્ટેમ્બરે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. હવે ફરી વરસાદી માહોલ સક્રિય બનતા ખેડૂતોમાં આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેતરોમાં ઉભેલા પાક માટે આ વરસાદ લાભદાયક માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 886.33 મિમી સુધી પહોંચી ગયો છે. જ્યારે નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 1,426 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદી વાતાવરણના કારણે જિલ્લામાં મહત્તમ તાપમાન આશરે 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. સાથે જ હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાતા સવારે ઝાકળ, દિવસ દરમિયાન તડકો અને વચ્ચે વરસાદ, ત્રણેય ઋતુનો એકસાથે અનુભવ ભરૂચ જિલ્લામાં થઈ રહ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com