Skip to main content

Geo Gujarat News

આમોદ: નવી નગરીમાં ચાર ફૂટનો કોબ્રા સર્પ છત પરથી નીચે પડતાં પરિવારજનોના શ્વાસ અધ્ધર, સમયસર રેસ્ક્યુથી મોટી હોનારત ટળી!

આમોદના પુરસા રોડ પર આવેલી નવી નગરીમાં રવિવારે એક એવી હચમચાવી દેનારી ઘટના બની કે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘરના બેઠક રૂમમાં પરિવારજનો નિરાંતે બેઠા હતા. ત્યારે અચાનક છત પરથી આશરે ચાર ફૂટ લાંબો અત્યંત ઝેરી કોબ્રા સાપ સીધો ઘરની અંદર પટકાયો હતો. આંખ સામે ઝેરી કોબ્રા દેખાતા પરિવારજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા અને ઘરમાં બૂમાબૂમ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના પડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને સમયસૂચકતા દાખવીને નેચર સેવિંગ્સ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અંકિત પરમાર અને તેમની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરી હતી.રેસ્ક્યુ દરમિયાન કોબ્રા સતત ફૂંફાડા મારતો હોવાથી સ્થિતિ અત્યંત જોખમી બની હતી. છતાં અંકિત પરમાર અને તેમની ટીમે વ્યાવસાયિક કુશળતા અને સાવચેતીથી ભારે જહેમત બાદ ઝેરી કોબ્રાને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો. સાપ પકડાતા પરિવારજનો અને સ્થાનિક રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રોમાંચક રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે નવી નગરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.સમયસર રેસ્ક્યુ ટીમ પહોંચી ન હોત તો ઝેરી કોબ્રાના કારણે મોટી જાનહાનિ અથવા ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ઘટનાએ ફરી એકવાર વરસાદી મોસમમાં રહેણાંક વિસ્તારોમાં ઝેરી સાપોના વધતા જોખમ સામે ચિંતા ઊભી કરી છે. નેચર સેવિંગ્સ ફાઉન્ડેશનની ટીમે રેસ્ક્યુ બાદ કોબ્રાને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેઠાણમાં મુક્ત કર્યો અને લોકોને અપીલ કરી કે ઘરમાં સાપ દેખાય તો ગભરાટમાં તેને મારવાનો પ્રયાસ ન કરે, પરંતુ તાત્કાલિક પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમને જાણ કરે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!