દક્ષિણ ગુજરાતને વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન ધામ સાથે જોડતા અંકલેશ્વર–સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ચાલી રહેલા વિકાસકામો વચ્ચે ઝઘડિયાથી સારંગપુર સુધધીનો રસ્તો વાહનચાલકો માટે મુસીબતનું ઘર બન્યો છે. આ વિસ્તારમાં માર્ગના નવીનીકરણ અને સમારકામની કામગીરી દાવાઓ મુજબ ચાલુ હોવા છતાં, વારંવાર ઉપસી આવતા ખાડાઓને કારણે સ્થાનિક રહીશો અને રોજીંદા વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુરસ્તીના થોડા જ દિવસોમાં રસ્તો ફરીથી બિસ્માર બની જતાં સરકારી કામગીરીની ટકાઉપણા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમારકામ પદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકો જણાવે છે કે, ખાડા પૂરવા માટે યોગ્ય ડામર કે ગુણવત્તાયુક્ત મટિરિયલનો ઉપયોગ કરવાને બદલે જવાબદારો દ્વારા માત્ર મોટા પથ્થરો નાખીને સંતોષ માનવામાં આવે છે. વાહનોની સતત અવરજવરને કારણે આ પથ્થરો રસ્તાની આજુબાજુ વિખેરાઈ જાય છે, જેનાથી ખાડા ફરીથી જેવા હતા તેવા જ ખુલ્લા થઈ જાય છે.
રસ્તા પર અચાનક સામે આવતા પથ્થરો અને ઊંડા ખાડાઓને બચાવવા માટે વાહનચાલકોએ અચાનક બ્રેક મારવી પડે છે અથવા અચાનક લેન બદલવાની નોબત આવે છે, જેનાથી અહીં નાના-મોટા અકસ્માતોનું જોખમ અનેકગણું વધી ગયું છે. તાજેતરમાં જ બનાવેલા રોડની આટલી ઝડપથી બદતર હાલત થતાં, સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરીય ગુણવત્તા તપાસ (ક્વોલિટી ચેક) કરવાની લોકમાંગ ઉઠી છે. રોડના મેન્ટેનન્સ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર, માર્ગ અને મકાન વિભાગ કે અન્ય સંબંધિત સરકારી એજન્સીની બેદરકારી સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. સત્વરે આ માર્ગનું યોગ્ય અને કાયમી ધોરણે મજબૂત સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com